SURAT

વરસાદી ઝાપટાનાં પાણીમાં સુરત પોલીસની PCR વાન બંધ પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યું કરી

સુરત: સુરત (Surat) બુધવારની રાત્રે શહેરમાં ભારે વરસાદી ઝાપટું પડયા બાદ ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ પાસે ટોરન્ટ પાવરની ઓફિસ પાસે નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની (Police) એક વાન (Van) પણ વરસાદી પાણીમાં બંધ થઈ જતા પોલીસનાં જવાનો પણ ભીના થઈ ગયા હતા. જોકે ડુંભાલ ફાયર સ્ટેશનના (Fire Station) જવાનોએ જાણ થતાં જ દોડી જઇ દોરડા બાંધી પીસીઆર વાનને બહાર કાઢવામાં સફળ થયા હતા.

  • સલાબતપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર 21માં 3 જવાનો નાઈટ પેટ્રોલિંગ માટે નીકળ્યાં હતા
  • ટોરન્ટ પાવરની ઓફિસ આગળ વરસાદી પાણીમાં સાયલેન્સરમાં પાણી ઘુસી જતાં પીસીઆર બંધ થઈ ગઈ હતી
  • ક્રેટા કારને પણ ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢવામાં આવી

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે 2 વાગ્યે ને 18 મિનેટે આવ્યો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર 21માં 3 જવાનો નાઈટ પેટ્રોલિંગ માટે નીકળ્યાં હતા. હેડ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈએ કહ્યું કે અમે રૂટિન મુજબ પેટ્રોલિંગ કામગીરી પુરી કરી ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક વરસાદ વરસવા લાગ્યો હતો. અમારી પીસીઆર રસ્તા પર જ બંધ થઈ ગઈ હતી. ટોરન્ટ પાવરની ઓફિસ આગળ વરસાદી પાણીમાં સાયલેન્સરમાં પાણી ઘુસી જતાં પીસીઆર બંધ થઈ ગઈ હતી. જેના કારણે ફાયરને ધટના અંગેની જાણ કરવામાં આવી હતી અને ફાયરના જવાનો તરત જ દોડી આવ્યાં હતાં.

ફાયર ઓફિસર પ્રવિણ ટંડેલએ કહ્યું કે કોલ મળતાં જ અમારી ટીમ તાત્કાલિક PCR વાન ફસાય હોય સ્થળે દોડી ગઈ હતી. જ્યાં ફાયરના જવાનોએ પોલીસની પીસીઆર વાન દોરડાની મદદથી બહાર કાઢી હતી. ત્યારબાદ નજીકમાં જ એક ક્રેટા કાર પણ પાણીમાં બંધ થઈ ગયેલી હતી. તેને પણ ફાયરના જવાનોએ ધક્કા મારીને પાણીની બહાર કાઢી હતી.

Most Popular

To Top