સુરત : લિંબાયતમાં બે યુવકોએ એક યુવકને ચપ્પુ (Knife) બતાવીને ખર્ચા-પાણીના દર મહિને રૂા.1 હજારની માંગણી કરીને ધમકાવ્યો હતો. આ ઉપરાંત બંનેએ યુવકની પાસેથી 2 હજાર પડાવી લઇને મોપેડમાં (Moped) તોડફોડપણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત આસપાસનગર ખાતે રહેતા અને મજુરીકામ કરતા રામચંદ્ર રમેશ સોનકુસરે (ઉ.વ.૨૦) ગત તા ૨૩મીના રોજ મોડી સાંજે સાડા સાતેક વાગ્યાના આરસામાં કેશનગર સોસાયટી પાસે કરિયાણાની દુકાનની બાજુમાં ઉભો હતો તે વખતે સૌરભ હરેન્દ્રસિંહ અને સંદીપ ઉર્ફે દાદુએ તેની પાસે ખર્ચા પેટે બે હજાર રૂપિયાની માંગણી કરી હતી.
પરંતુ રામચંદ્રએ રૂપિયા આપવાની ના પાડતા બંનેએ રામચંદ્રની સાથે ગાળાગાળી કરીને તમાચો મારી દીધો દીધો હતો. જેમાંથી સંદિપે પોતાની પાસેથી ચપ્પુ કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી 2 હજાર પડાવી લીધા હતા અને રામચંદ્રની મોપેડમાં તોડફોડ કરી હતી. બાદમાં સૌરભ અને સંદિપે રામચંદ્રને અગર ‘‘તેરે કો ઈસ ઈલાકે મે રહેના હૈ તો હર મહિને હમકો દો હજાર રૂપિયા દેના પડેગા’’તેમ કહીને ફરાર થઇ ગયા હતા. આ બાબતે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે સૌરભ અને સંદિપની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કંપનીના માલિક પાસે 10 લાખ માંગી બ્લેકમેઈલ કરનાર યુટ્યુબ ચેનલના ચાર સામે ફરિયાદ
સુરત: પલસાણા હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં ગોકુલનંદ પેટ્રોફાઈબર્સ કંપની ખેતરમાં પ્રદૂષિત પાણી છોડતી હોવાનું કહીને કંપનીના માલિકને વિડીયો મોકલનાર યુટ્યુબ ચેનલના ચાર જણા સામે સચીન પોલીસે ફરિયાદ નોંધી હતી. ચારેય જણા પોતે કંપનીની પાછળ વેસ્ટ ફેકીને વિડીયો ઉતારતા સીસીટીવીમાં કેદ થયા હતા.
પલસાણા ખાતે ઓમ સાંઈ રેસીડેન્સીમાં રહેતા 35 વર્ષીય નવિન સુરેશભાઈ જાંગીડ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોકુલનંદ પેટ્રોફાઈબર્સ પોલીસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં કોમર્શિયલ મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીમાં દર ત્રણ મહિને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિઝીટ લેવાય છે. દરમિયાન ગત 10 ઓગસ્ટે બપોરે કંપનીના ગેટની બહાર વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલવાળું પાણી વહેતું હતું. નવિનભાઈએ આ અંગે તેમના શેઠ કૌશિકભાઈને જાણ કરી હતી. થોડા સમયબાદ કૌશિકભાઈને વોટ્સએપ ઉપર ગભરૂ ભરવાડ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. અને બાદમાં તેણે એક વિડીયો મોકલ્યો હતો. જેમાં ગૌરક્ષા સંદેશ ન્યુઝ યુટ્યુબ ચેનલનો વિડીયો હતો. જેમાં આ કંપની નાળા અને ખેતરોમાં ઝેરી રસાયણ યુક્ત કેમિકલ છોડીને પ્રદૂષણ ફેલાવે છે તેવો વિડીયો હતો. જે જોઈને કૌશિકભાઈ અને નવિનભાઈ ચોંકી ગયા હતા. કૌશિકભાઈએ કંપનીમાં ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ ચલાવતા રણછોડભાઈને આ અંગે જાણ કરી હતી. જેથી તેમને ગભરૂ ભરવાડને ઓળખતા હોવાથી ફોન કરીને કંપનીને ખોટી રીતે બદનામ નહી કરવા કહ્યું હતું. ગભરૂ ભરવાડે રણછોડભાઈને તેના શેઠને આ મેટર બંધ કરવી હોય તો આઠથી દશ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું.
આ ઘટના બાદ કૌશિકભાઈએ કંપનીની બહાર સીસીટીવી લગાવ્યા હતા. બાદમાં 23 ઓગસ્ટે ફરીથી ગભરૂ ભરવાડે વધુ એક વિડીયો મોકલ્યો હતો. કંપનીના સીસીટીવી ચેક કરતા કંપનીની પાછળના ગેટ પર બે જણા આવીને વેસ્ટ નાખીને વિડીયો બનાવતા જોવા મળ્યા હતા. બાદમાં ત્રણ જણા કંપનીના ગેટ પાસે કંપનીના ફોટા પાડતા હતા ત્યારે વોચમેનને આવીને ‘અમારા ફોટો પાડી લે તારા શેઠને બતાવી દેજે’ તેમ કહીને જતા રહ્યા હતા. અને જો રૂપિયા નહીં આપે તો કંપનીને જીપીસીબીમાં કહીને મોટો દંડ કરાવવાની ધમકી આપી હતી. જેથી આ સીસીટીવી ફુટેજ પોલીસમાં આપીને નવિનભાઈએ ગભરૂ, ભીમાભાઈ ભરવાડ (રહે,નવકાર રેસીડેન્સી, સચીન જીઆઈડીસી), નાજુ રેવાભાઈ ભરવાડ (રહે,સ્લમ બોર્ડ સચીન), લાલો ભરવાડ (રહે.પારડી) તથા કનુભાઈ ભરવાડ (રહે, સ્લમ બોર્ડ સીચન) સામે ફરિયાદ નોંધાવતા સચીન પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.