SURAT

સુરતમાં મંગળવારે 300થી વધુ તાજીયા સાથે મોહરમનું જુલૂસ નિકળશે, કોમી એકતાનો કાર્યક્રમ યોજાશે

સુરત: (Surat) સુરતમાં 2 વર્ષ બાદ મોહરમનો (Moharram) તહેવાર સંપૂર્ણ શ્રદ્ધા અને ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે શહેરમાં નાના-મોટા 300થી વધુ તાજીયા (Tajiya) નિકળશે. સુરત શહેર તાજીયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે તાજીયા, સવારી, ઘોડા, પાણીના વાહનો અને અખાડા નિકળશે. શાંતિપૂર્વક વાતાવરણમાં વ્યવસ્થિત રીતે તાજીયા જુલૂસ નિકળે તે માટે એક તાજીયા સાથે પરમીટ ધારકના ફોટો વાળા આઈકાર્ડ સાથે પાંચ સ્વયંસેવકોને આ વખતે તૈનાત કરવામાં આવશે. કુલ 1800 સ્વયં સેવકો સમગ્ર જુલૂસમાં તૈનાત રહેશે.

  • શહેરમાં નાના-મોટા 300થી વધુ તાજીયા નિકળશે
  • દરેક તાજીયા સાથે 5 અને સમગ્ર જુલૂસમાં 1800 સ્વયં સેવકો જુલૂસમાં તૈનાત રહેશે
  • આ વર્ષે હજારો લોકોએ તાજીયાના દર્શન કર્યા

આ હશે તાજીયાનો રૂટ
સુરત શહેર તાજીયા કમિટી દ્વારા જણાવ્યા મુજબ આ વર્ષે કતલની રાત્રે શહેરના કોટ વિસ્તારમાં તાજીયા ફેરવવામાં આવશે. જ્યારે બીજા દિવસે મંગળવારે યૌમે આશુરાના દિવસે મુખ્ય તાજીયા જુલૂસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી નિકળી ભાગળ ચાર રસ્તા ખાતે ભેગા થઈ મુખ્ય જુલૂસ રૂપ આગળ વધશે. જેમાં નાનપુરા, ગોપીપુરા, સગરામપુરા, રૂદરપુરાના તાજીયા નવસારી બજાર ચાર રસ્તા થઈ કોટસફીલ રોડથી ભાગળ ચાર રસ્તા પર પહોંચશે. ઉન વિસ્તારના અને પાંડેસરા વિસ્તારના તાજીયા ભેસ્તાન મેઈન રોડ થઈ ઉધના મેઈન રોડથી ઉધના દરવાજા ચાર રસ્તાથી નવસારી બજાર થઈ કોટસફીલ રોડ પહોંચશે. જ્યારે સલાબતપુરા બેગમપુરાના તાજીયા વાંસફોડા પુલ થઈ મોતી સિનેમાથી રાજમાર્ગ પહોંચશે. બીજી તરફ રામપુરા, હરિપુરાના તાજીયા રૂવાળા ટેકરા થઈ રાજમાર્ગ પર આવશે. અને લિંબાયત વિસ્તારના તાજીયા અનવર નગર રેલવે ગરનાળાથી કમેલા દરવાજા થઈ સલબતપુરા થઈ ભાગળ પહોંચશે. આ બધાજ તાજીયા ભાગળ, લાલગેટ, ચોકબજાર, વરિયાવી બજાર થઈ હોડીબંગલા પહોંચશે. હોડી બંગલા ખાતે પરંપરાગત રીતે તાજીયા ઠંડા કરવામાં આવશે.

તાજીયા કમિટીના પ્રમુખ દ્વારા જણાવ્યા પ્રમાણે મોહરમના 10માં ચાંદ મંગળવારના રોજ તાજીયાનું મુખ્ય જુલૂસ ભાગળ ચાર રસ્તા પહોંચશે. અહીં કોમી એકતાનો કાર્યક્રમ રાખવામાં આ્યો છે. આ કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સાંસદ સીઆર પાટિલ, સાંસદ દર્શના જરદોશ, હિંદૂ મિલન મંદિરના સંત સ્વામી અંબરીશાનંદજી, પ્રાણનાથ મંદિરના સંત સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

દરમ્યાન સુરત શહેરમાં આ વર્ષે 300થી વધુ કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા છે. સુંદર કલાત્મક તાજીયા જોવા માટે લોકોની રવિવારે ભીડ જામી હતી. તાજીયા બનાવ્યા બાદ મોહરમની ઇસ્લામી સાતમી તારીખે પરદા ખોલવામાં આવે છે. શનિવાર અને રવિવાર રજાનો દિવસ હોવાથી આ વર્ષે હજારો લોકોએ તાજીયાના દર્શન કર્યા હતા.

Most Popular

To Top