SURAT

મોડલ તાન્યા સિંહ આપઘાત કેસમાં ક્રિકેટર અભિષેક શર્માની વેસુ પોલીસ સ્ટેશનમાં ચાર કલાક પૂછપરછ

સુરત: (Surat) મોડલ તાન્યા સિંહ આપઘાત કેસમાં (Suicide Case) આજે સુરત વેસુ પોલીસ મથક ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ઓલરાઉન્ડર અભિષેક શર્મા પોતાનું નિવેદન લખાવવા માટે પહોંચ્યો હતો. તાન્યા સિંહ આપઘાત કેસમાં સુરત વેસુ પોલીસે ક્રિકેટર અભિષેક શર્માની ચાર કલાક પૂછપરછ કરી હતી.

  • મોડલ તાન્યા સિંહ આપઘાત કેસમાં ક્રિકેટર અભિષેક શર્માની ચાર કલાક પૂછપરછ
  • સમન્સ પાઠવાતાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ઓલરાઉન્ડર અભિષેક શર્મા વેસુ પોલીસમાં હાજર થયો હતો
  • તાન્યાને ક્યારથી જાણતો હતો, કઈ રીતે મળ્યો, સંબંધો શું હતાં જેવા અનેક સવાલ પોલીસે પૂછ્યાં
  • આપઘાતના સમયે તે તાન્યાના સંપર્કમાં ન હતો, અભિષેક શર્માની પોલીસ સમક્ષ સ્પષ્ટતા

પોલીસે જણાવ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી અભિષેક શર્માની મૉડલ તાન્યા સિંહ સાથે મિત્રતા હતી. જે સંદર્ભે તેમને બોલવામાં આવ્યાં હતાં. જ્યારથી મોડલ તાનિયા સિંહના મોત સાથે પંજાબના ક્રિકેટર અભિષેક શર્માનું નામ જોડાયું છે, લોકો તેના વિશે શોધ કરી રહ્યા છે. મોડલ તાનિયા સિંહની આત્મહત્યા બાદ અભિષેક શર્માને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આજે અભિષેક વેસુ પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે ચાર કલાક સુધી પોતાનું નિવેદન લખાવ્યું હતું. અભિષેકને પોલીસે અનેક સવાલો કર્યા હતાં, જેમાં તે ક્યારથી તાન્યાને જાણતો હતો? કઈ રીતે મળ્યો? તેમના સંબંધો શું હતા? જેવા અનેક સવાલોનો સમાવેશ કરાયો હતો. તાન્યાના આપઘાત બાદ અભિષેક સાથેના તેના કેટલાક ફોટો વાયરલ થયા બાદ પોલીસે અભિષેકને સમન્સ પાઠવી પોલીસ મથકે બોલાવ્યો હતો. આશરે ચાર કલાક સુધી અભિષેકે પોલીસ સમક્ષ તાન્યા અને તેના સંબંધ સંદર્ભે નિવેદન આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે આપઘાત સમયે તે તાન્યા સાથે સંપર્કમાં નહોતો.

અભિષેકની કેપન્ટન્સીમાં ભારતે અંડર-19 એશિયા કપ જીત્યો હતો
23 વર્ષનો અભિષેક શર્મા આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. અભિષેક શર્માની કેપ્ટન્સીમાં ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો હતો. આ પછી, તેને પૃથ્વી શૉની કપ્તાની હેઠળની અંડર 19 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટીમે અંડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો. 2018 આઈપીએલમાં, દિલ્હી કેપિટલ્સ (તે સમયે ડેરડેવિલ્સ)એ અભિષેક શર્માને રૂ. 55 લાખમાં સામેલ કર્યો હતો, ત્યારબાદ તે સનરાઈઝર્સ હૈદરાબાદમાં જોડાયો હતો. વર્ષ 2022માં સનરાઇઝર્સે તેને મેગા ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કેટલાક ફોટો સામે આવતા નિવેદન લેવા બોલાવ્યો હતો: એસીપી મલહોત્રા
એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મોડલ તાન્યા સિંહ આપઘાત પ્રકરણમાં સતત તપાસ ચાલી રહી છે અને જે ફોટો સામે આવ્યા છે અને કેટલીક વિગતો મળી હતી, તેના આધારે અભિષેક શર્માને નિવેદન આપવા માટે વેસુ પોલીસે બોલાવ્યા હતા. જેના અનુસંધાને તેઓ આજે નિવેદન લખાવીને ગયા છે.

Most Popular

To Top