સુરત: (Surat) ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોએ એક મોબાઇલ ચોરને (Mobile Thief) પકડી પાડ્યો હતો. આ યુવકે પોલીસને (Police) બોલાવવાનું કહીને રૂઆબ કરવા લાગતા લોકો ઉશ્કેરાયા હતા અને યુવકને ઊંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર મોબાઇલ ચોર ટોળકીએ ભારે આતંક મચાવ્યો છે. લોકોની પાસેથી મોબાઇલ સહિતની કિંમતી વસ્તુઓની લૂંટ કર્યા બાદ પોલીસની પાસે લઇ જવાની ધમકીઓ આપીને લોકોને ચપ્પુના ઘા મારવાની અનેક ઘટનાઓ બની છે. જ્યારે આ બાબતે પોલીસને ફરિયાદ કરવામાં આવે ત્યારે તેઓ કલાકો સુધી બેસાડી રાખે છે અને મોબાઇલ લૂંટરુઓ સરળતાથી છૂટી જાય છે. પોલીસની આવી બેદરકારીને કારણે ચોરોને છૂટો દોર મળી જાય છે. આ યુવકે પહેલા ચોરી કરી હતી અને પછી પોલીસને પાસે લઇ જવાનું કહીને ધમકાવતા અન્ય લોકો ભેગા થઇ ગયા હતા. લોકોએ યુવકને પકડી રાખ્યો હતો અને ઊંધો લટકાવીને તેને માર માર્યો હતો. ત્યારબાદ ઉધના પોલીસનું ધ્યાન દોરાયું હતું. બીજી તરફ સ્થાનિકોના કહેવા પ્રમાણે આ આખી ટોળકી છે, જેઓ પ્રવાસી મુસાફરોને ટાર્ગેટ કરીને લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
મિત્ર પાસેથી સોનુ લઈ બેંકમાં ગીરવે મુકી રૂપિયા વાપરી નાખ્યા
સુરતઃ કામરેજ ખાતે રહેતા યુવકે રૂપિયાની જરૂર હોવાથી જુનાગઢ ખાતે રહેતા મિત્ર પાસેથી તેનું 35 ગ્રામ સોનુ લઈ બેંકમાં ગીરવે મુકી રૂપિયા વાપરી નાખ્યા હતા. બાદમાં રૂપિયા કે સોનુ નહીં આપી છેતરપિંડી આચરતા જુનાગઢના યુવકે સરથાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
જુનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે રહેતા 32 વર્ષીય કમલેશભાઇ પોપટભાઇ કુંભાણીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિનોદભાઇ બાલાભાઇ ડાભી (ઉ.વ.૪૩ રહે.૩૦ રાજનંદની સોસાયટી વિ-૧ વેલંજા તા- કામરેજ)ની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. કમલેશભાઈ ઓનલાઈન ડેટાએન્ટ્રીનું કામ કરે છે. કમલેશ અને વિનોદ બંને મિત્રો છે. વિનોદ સુરતમાં સિલાઈકામ કરે છે. વર્ષ 2018 જુલાઈ મહિનામાં વિનોદભાઇ બાલાભાઇ ડાભીએ રૂપિયાની જરૂર હોવાથી કમલેશને વિશ્વાસમાં લઇ તેની પાસેના ૩૫ ગ્રામ સોનાના દાગીના જેમાં ચાર સોનાની વીટી, એક સોનાની ચેઇન તથા એક સોનાનું પેંડલ મેળવી મુથુટ ફાઇનાન્સમાંથી ગીરવે મુકી લોનના 54 હજાર મેળવી લીધા હતા. આ રૂપિયાનો પોતાના અંગત કામમાં વાપરી નાખી આજદિન સુધી કમલેશને પરત આપ્યા નથી. કમલેશ દ્વારા અવારનવાર રૂપિયા કે સોનાની માંગ કરતા વાયદા પર વાયદા કરતો હતો. જેથી કંટાળી અંતે કમલેશે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી વધારે તપાસ હાથ ધરી છે.