સુરત: (Surat) સુરત શહેરમાં કોલ ડ્રોપ (Call Drop) અંગેની વ્યાપક ફરિયાદ ઉઠતાં મોબાઈલ (Mobile) કંપનીઓ પણ મુંઝવણમાં મુકાઈ હતી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી તેમજ ટેલિકોમ્યુનિકેશન વિભાગને ફરિયાદ કરી હતી. જેના આધારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં અને 80થી વધુ ગેરકાયદે મોબાઈલ સિગ્નલ બૂસ્ટર્સ ઝડપી પાડી સંલગ્ન કાર્યવાહી કરવામાં આવી હતી.
- શહેરમાં કોલ ડ્રોપ સમસ્યા માટે જવાબદાર 80થી વધુ મોબાઈલ સિગ્નલ બુસ્ટર્સ ઝડપાયા
- મોબાઈલ કંપનીઓની ફરિયાદને પગલે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુ. તેમજ ડિપા. ઓફ ટેલિકોમ્યુનિકેશનની ટીમનો સપાટો
- કતારગામ, સલાબતપુરા, કામરેજ ડાયમંડ નગર, અમૃત ઉદ્યોગનગર, સરથાણા, ચોકબજાર, કાપોદ્રા, ખટોદરા વિસ્તારમાં દરોડા
સુરત શહેરમાં કોલ ડ્રોપ્સની સમસ્યાને ધ્યાનમાં રાખીને મોબાઈલ કંપનીઓની ફરિયાદને પગલે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનનાં વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન અમદાવાદના ટીમ ઓફિસર દિપેશ કિંજરા અને રોહિત ગોડીવાલની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી 5 મે સુધી સુરત શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતાં. છેલ્લા નવ દિવસમાં કતારગામ, સલાબતપુરા, કામરેજ ડાયમંડ નગર, અમૃત ઉદ્યોગનગર, સરથાણા, ચોકબજાર, કાપોદ્રા, ખટોદરામાં અનેક જગ્યાએ કાર્યવાહી કરીને 80થી વધુ મોબાઈલ સિગ્નલ બુસ્ટર્સ ઝડપી પાડ્યા હતાં.
મોબાઈલ કંપનીના ટાવર ઓછા હોવાના બહાના કાઢી લોકોએ પોતાના ઘરો અને ધંધાકીય સંસ્થાઓમાં નેટવર્ક નહીં મળતું હોવાનું કારણ આપી ગેરકાયદેસર મોબાઈલ સિગ્નલ બૂસ્ટર ઇન્સ્ટોલ કર્યાં હતાં. વાયરલેસ મોનિટરીંગ ટીમે પકડાયેલા 80થી વધુ લોકોને નોટિસ ફટકારી છે. ટેલિકોમ વિભાગના નિયમો અનુસાર, મોબાઈલ સિગ્નલ બુસ્ટર્સનો ઉપયોગ કરનારા લોકો કોઈપણ મંજૂરી લીધા વિના તેનો ઉપયોગ કરતા હતાં. જેના કારણે આસપાસના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ નહીં મળવાના કારણે લોકોએ મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ફરિયાદ કરી હતી. નિયમ પ્રમાણે વિભાગે પહેલીવાર પકડાયેલા કેસોમાં નોટિસ આપવાની હોય છે, જ્યારે બીજીવાર આવા કેસોમાં બુસ્ટર પકડાય તો 2 લાખ રૂપિયાની પેનલ્ટી સુધીની જોગવાઈ છે.