સુરત : કાપોદ્રા ખાતે રહેતા આનંદભાઈને તેમની કસ્ટમરના મોબાઈલના (Mobile) 1350 રૂપિયાનો હપ્તો (Instalments) પોતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી (Online Account) ભરવાનું ભારે પડ્યું હતું. આ હપ્તો આરોપીએ ભરાવી છેતરપિંડી કરી હતી.
કાપોદ્રા મધુવન સોસાયટીમાં રહેતા 28 વર્ષીય આનંદભાઇ કનુભાઇ જૈન વીઆઇ કંપનીમાં નોકરી કરે છે. તેમને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં માનસી રમેશભાઇ ગોહિલની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ માનસી તેમની કસ્ટમર છે. તેણે લીધેલા મોબાઈલનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું આવડતુ નથી. એટલે તેના મોબાઈલનું 1350 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન આનંદભાઈ એમેઝોન પે પરથી કરે છે. આ પેમેન્ટ આનંદભાઈએ આપી દીધા પછી માનસીએ આપવાની ના પાડી હતી. આ હપ્તાના રૂપિયા જીવનભાઈ જાદવના ખાતામાં જમા થયા હતા. અને તે પરત નહીં કરતા આનંદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વર GIDC પોલીસે રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટથી વાહન ચોરની અટકાયત કરી
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા આરોપીની રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના બાડમેર પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ધોરી મન્ના તાલુકાના સુના રોકી બેરી રોહિલાના વાહન ચોર પીરારામ જગરામ ઉર્ફે જગમાલ બિસ્નોઈને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની આગવી પૂછપરછ કરતાં તેણે વર્ષ-૨૦૧૪મા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની હદમાંથી બોલેરો પિકઅપ વાનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ત્યારે રાજસ્થાન પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરતાં જીઆડીસી પોલીસે વાહન ચોરીના આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલીના સાદકપોર ગામે ઝાડ કાપવા મુદ્દે પરિવારમાં મારામારી
ઘેજ : ચીખલીના સાદકપોર ગામે ઝાડ કાપવા મુદ્દે પરિવારમાં મારામારી થતા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સાદકપોર ગામે પરબીયાવડ ખાતે રહેતા હેમાબેન ઇશ્વરભાઈ પટેલ (ઉ.વ-૪૫) અને ઈશ્વરભાઈ છનાભાઈ પટેલ બુધવારની સાંજના સમયે પોતાના ક્યારીમાં ચાર કાપતા હતા. અને ખેતરની પાળ પર ઝાડ હોય જે ઝાડ મજૂરો મારફતે કપાવતા હતા. દરમ્યાન હેમાબેનનો દિયર પ્રવિણ પટેલ અને તેનો પુત્ર જીગ્નેશ પટેલ ખેતરમાં આવી ગમે તેમ ગાળો આપી ઝાડો કેમ કાપો છો. તેમ જણાવી જીગ્નેશ પટેલે લાકડાથી ઈશ્વર પટેલને હાથમાં મારી તેમજ ઢીકમુક્કીનો માર મારતા પતિને છોડાવવા ગયેલા હેમાબેન પટેલને દિયરના પુત્ર જીગ્નેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે ઈશ્વર પટેલને લાકડાથી માર મારતા બેભાન થઈ જતા પિતા-પુત્ર નાસી ગયા હતા. ઈશ્વર પટેલને ૧૦૮ મારફતે સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાથના અંગૂઠામાં ફેક્ચર થવા પામ્યું હતું.બનાવની ફરિયાદ હેમાબેન ઈશ્વરભાઈ પટેલે નોંધાવતા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.