શહેરના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઇ કાનાણીના નામના ખોટા સહી-સિક્કાઓ બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોકયુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી આધારકાર્ડ તથા પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ્સમાં સુધારા માટે ધારાસભ્ય કાનાણીના નામના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરી રહ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા સહી-સિક્કાઓ બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરી ગુન્હાહીત પ્રવૃત્તિઓ આચરતા ઈસમોને પકડી તેમજ શોષી કાઢવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.
ઉપરોકત સુચના અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા તથા સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. સોલંકીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટા સહી-સિક્કાઓ બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડૉક્યુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરી ગુન્હાહીત પ્રવૃત્તિઓ આચરતા ઇસમોને પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
દરમિયાન પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે દિપક પટનાયક નામનો ઇસમ આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં નામ-સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદેદારોના ખોટા સહી-સિક્કાઓ બનાવી, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ, તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી, સરકારી સાઇટો ઉપર અપલોડ કરે છે.
આ બાતમીના આધારે પોલીસે કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ કવીરાજભાઈ પટનાયક (રહે-કોસાડ, અમરોલી ) નાઓની ધરપકડ કરી હતી. તેમજ આરોપીના કબ્જામાંથી મેમ્બર ઓફ લેજિસ્લેટિવએસેમ્બલી નો રાઉન્ડ સિક્કો, અંગ્રેજીમાં કેએસ કાનાણીનો સહી સિક્કો, બનાવટી સિક્કા મારેલા ફોર્મ, ફોટા સાથે અલગ આલગ ઇસમોના ફોર્મ, તેમજ પ્રિન્ટર સહીત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાનાણીના નામના નકલી સિક્કા બનાવડાવ્યા
આરોપી દિપક પટનાયકએ તેના વતન ઓડીસા સંબલપુર ખાતે એક અજાણયા ઇસમ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હતા અને કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલ ક્ષમા સોસાયટી ગેટ નં.4 સામે આવેલ શનીદેવ મહારાજની બાજુમાં આવેલ ઓફીસ ભાડે રાખ્યું હતું.
આરોપી છેલ્લાં સાડા ત્રણેક માસથી તેની પાસે આધારકાર્ડ તથા પાનકાર્ડમાં નામ-સરનામુ સુધારો કરાવવા માટે આવતા ગ્રાહકો પાસે ફોર્મ દીઠ 200 રૂપિયા ફી લઈને ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તો આધારકાર્ડ-પાનકાર્ડના સરકારી ફોર્મમાં ગ્રાહકોની જાણ બહાર સિક્કાઓ મારી પોતાની ઓફીસમાં રહેલ કોમ્પ્યુટર મારફતે આ બનાવટી ફોર્મને સરકારી સાઈટ ઉપર ખરા તરીકે અપલોડ કરતો હતો.
