SURAT

સુરત: ધારાસભ્ય સંગીતા પાટીલે પોસ્ટ મૂકી કે લિંબાયતમાં પાણી ભરાયા જ નથી, ત્યાં મેયરે..

સુરત: સુરતમાં આજરોજ મંગળવારે પડેલા વરસાદે ફરી એકવખત મનપાની પ્રિ-મોન્સુન કામગીરીને ફેલ સાબિત કરી દીધી હતી. પ્રિ-મોન્સુન કામગીરીની નિષ્ફળતાને પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરની આ હાલત જોઈને ખુદ મેયર હેમાલી બોઘાવાલા દોડતા થઈ ગયા હતા.

એક તરફ મેયરે લિંબાયત સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે વાત સ્વીકારી આ વિસ્તારોની સ્વ-મુલાકાત લઈ તે અંગે ઘટતું કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા ત્યાં બીજી તરફ લિંબાયતના સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલે પોતાના વિસ્તારમાં ક્યાંયે પાણી ભરાયા જ નથી તેવી પોસ્ટ બનાવી પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂકી મનપાની પ્રિ-મોનસૂન કામગીરીના વખાણ કરી પોતાની પીઠ થાબડી લીધી હતી.

પ્રિ-મોનસૂન કામગીરીના અભાવે આ વખતે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના દરેક ઝાપટાં સાથે અભૂતપૂર્વ રીતે પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ત્યારે આ અંગે ઢાંકપિછોડા કરવાને બદલે શહેરના મેયરે કંઈ નહીં તોય શહેરમાં પાણી ભરાવવા બાબતે સ્વીકૃતી રાખી અનેક આવા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ ઘટતું કરવા પોતાની રીતે પ્રયાસ કર્યો.

તેમણે લિંબાયત ઝોનમાં મીઠીખાડી નજીકના વિસ્તારોમાં કે જ્યાં પોણોથી એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા તેવા સ્થળોની મુલાકાત લઈને લિંબાયત ઝોનના અધિકારીઓને પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે પગલાં ભરી ત્યાં સાફ-સફાઈ કરાવવા અને દવાનો છંટકાવ કરવા માટે સૂચના આપી હતી.

જ્યારે, બીજી તરફ આનાથી તદ્દન વિરૂદ્ધ, જેમનો વિસ્તાર છે તેવા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે તેમના વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાયા હોવાનું સ્વીકારવાનું જ ટાળ્યું હતું. તેમણે તો સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ પણ બનાવી મુકી દીધી હતી કે લિંબાયતમાં પ્રિ-મોન્સુનની કામગીરી ખુબ સરસ છે અને ક્યાંય પાણી ભરાયા જ નથી.

પોતે જ પીઠ થાબડી મનપાની કામગીરીના વખાણ કરી લેવાને કારણે ઊભા થયેલા વિરોધાભાસને લીધે અકળાયેલા લોકોએ આ પોસ્ટ પર આંખ ઉઘાડનારી કોમેંટ્સો પણ લખી હતી. એકે લખ્યું કે વરસાદ બંધ થયા પછી પાણીનો નિકાલ થઈ ગયા પછી ગાડી લઈને જોવા નીકળો તો ક્યાં પાણી ભરાયા છે તે કેવી રીતે ખબર પડે?’’, બીજા એકે કોમેન્ટ કરી હતી કે, ‘‘એવું પણ બને કે જ્યાં વરસાદી પાણી ભરાયા હોય અને તેની આપે મુલાકાત ના લીધી હોય.’’

એક જ પક્ષના મેયર અને ધારાસભ્યના એક જ વિસ્તારમાં પાણી ભરાયા કે નહી તે અંગેના વિરોધાભાસી વલણને લઈને પણ લોકો માટે ચર્ચા અને રમૂજનો વિષય બની ગયો હતો.

Most Popular

To Top