સુરત: (Surat) મોટા વરાછા ઉત્રાણ ખાતે રહેતા અને વેબ ડેવલોપિંગનું (Web Developer) કામ કરતા 23 વર્ષિય યુવકની આજે સવારે હજીરા નાયકો જેટી પાસેથી દરિયા કિનારેથી લાશ મળી આવી હતી. મૃતક છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ (Missing) હતો અને આજે તેનો મૃતદેહ (Dead Body) મળી આવતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી બનાવ અંગે વધુ તપાસ પોલીસ (Police) કરી રહી છે.
- ત્રણ દિવસથી ગુમ મોટા વરાછાના વેબ ડેવલપરની હજીરા દરિયા કિનારેથી લાશ મળી
- ડેનીશ કાકડીયાના આપઘાતનું કારણ અકબંધ
નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા ઉત્રાણ ખાતેના સિલ્વર સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતો ડેનીશ મનોજ કાકડીયા (ઉં.વ.23) મુળ તળાજાના રોયલ ગામનો વતની હતો. ઓનલાઈન વેબ ડિઝાઈનનો વ્યવસાય કરતા ડેનીશ ગઇ 27મીના રોજ સવારે રાબેતા મુજબ ઘરેથી કતારગામ વિસ્તારમાં ઉઘરાણીએ જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ મોડે સુધી પરત નહીં આવતા પરિવારે શોધ-ખોળ કર્યા બાદ અમરોલી પોલીસ મથકે ગુમ થવા અંગેની જાણ કરી હતી. દરમિયાન શનિવારે સવારે નાયકો જેટી પાસે દરીયા કિનારેથી ડેનીશની લાશ મળી આવ્યાની જાણ હજીરા પોલીસે પરિવારને આપી હતી. મૃતક ડેનીશના ખીસ્સામાંથી મળેલા મોબાઈલ ફોનના આધારે તેની ઓળખ શક્ય બની હતી. પરિવારના જણાવ્યા અનુસાર મધ્યમવર્ગીય ડેનીશનાં મોતનું કોઇ કારણ નથી. તેણે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પાંડેસરામાં લુમ્સ કારીગરનું ઝાડા ઉલ્ટીથી મોત
પાંડેસરા વિસ્તારમાં રહેતા અને લુમ્સ ખાતામાં કામ કરતા કારીગરને ઝાડા ઉલ્ટી થયા બાદ મોત નિપજ્યું હતું. તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ ખસેડાયો હતો જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હાલ પાંડેસરા રાધેશ્યામનગરમાં રહેતો અને મુળ ઓડીશાનો વતની અંતરયામી ડાકુઆ (ઉ.વ.35)ને શુક્રવારે ત્રણેક વાગ્યે અચાનક ઝાડા-ઊલટી શરૂ થઈ ગઈ હતી. તેને સારવાર માટે સ્થાનિક દવાખાને લઇ જવાયો હતો. જોકે તબિયત વધુ લથડતા તેને નજીક બાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે તેને દવા આપી બોટલ ચડાવી હતી. પરંતુ ત્યારબાદ પણ તેને અસર નહીં થતા વધુ તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.