સુરત (Surat) : લ્યો હવે તો દૂધ (Milk) અને દહીં (Curd) પણ ચોરાવા (Theft) લાગ્યા. સુરતના ડીંડોલી વિસ્તારમાં દૂધના આખા કેરેટ ચોર ઊંચકીને લઈ ગયા છે. વહેલી સવારે બનેલી આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. ડીંડોલીની બેકરીના માલિકે 5 હજારથી વધુ કિંમતના દૂધ અને દહીં ચોરાવા અંગેની ફરિયાદ પોલીસને (Police Complaint) આપતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના
- પ્રાયોશા પ્રાઈમ બિલ્ડિંગની ધનશ્રી બેકરીમાં ચોરી
- મોપેડ પર આવેલા બે ઈસમો 5 કેરેટ દૂધ-દહીં ઉઠાવી ગયા
- બેકરીના માલિકે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ચોરને શોધવા તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં પ્રાયોશા પ્રાઈમ બિલ્ડિંગમાં ધનશ્રી નામની એક બેકરી આવેલી છે. તેના માલિક વિરેન્દ્ર તુલસીરામ તાયવડે ડીંડોલીની સ્વસ્તિક રેસીડેન્સીમાં રહે છે. ગઈ તા. 31 જુલાઈની રાત્રિના સાડા 3 વાગ્યાના અરસામાં તેમની બેકરીની બહાર મુકેલા દૂધ અને દહીંના 5 કેરેટ ચોરાઈ ગયા હતા. વિરેન્દ્ર તાયવડે બેકરી પર પહોંચ્યા ત્યારે રોજના ક્રમ મુજબ દૂધ અને દહીંના કેરેટ નહીં દેખાતા તેઓએ તપાસ શરૂ કરી હતી. એજન્સી દ્વારા કેરેટ મૂકી ગયા હોવાની જાણ થતા તેઓએ બેકરી બહારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં જોવા મળ્યું હતું કે મોપેડ પર બે ઈસમો આવ્યા હતા અને તેઓ બેકરી બહાર રાખવામાં આવેલા 4 કેરેટ દૂધ અને 1 કેરેટ દહીં મળી કુલ 5426 રૂપિયાની મત્તા ચોરી ગયા હતા.
આ ઘટના બાદ બેકરીના માલિક વિરેન્દ્ર તાયવડેએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરને શોધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના અંગે વિરેન્દ્ર તાયવડે એ જણાવ્યું કે અગાઉ પણ આ રીતે દૂધ ચોરાયું છે. પરંતુ ત્યારે કોઈ ફરિયાદ કરી નહોતી. વારંવાર ચોરી થતી હોવાના લીધે હવે ફરિયાદ કરી છે.