સુરત: (Surat) સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે. પરપ્રાંતિયો (Migrant people) તેમના પરિવારના સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર (UP Bihar) તરફ જવાનું ધીરે-ધીરે શરૂ કર્યું છે. જેને પગલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં લોકડાઉનને બાદ વતન જવા માટે શ્રમિકોની હાલત કફોડી થઈ હતી. સુરતમાં છેલ્લા 20 દિવસમાં જે રીતે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેના કારણે શ્રમિકોમાં ભયનો માહોલ છે.
શ્રમિકોમાં વતન તરફ હિજરત કરી રહ્યાની અફવા શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. ત્યારે શહેરમાંથી દરોજ 10થી12 બસ ભરીને શ્રમિકો વતન તરફ નીકળી રહ્યા છે. ત્યારે આ વાતની જાણકારી મળતાની સાથે જે તે વિસ્તારનાં નગરસેવકો તાત્કાલિક શ્રમિકોને સમજાવવા પહોંચ્યા હતા. જોકે કેટલાક શ્રમિક પરિવારનાં સભ્યોએ અફવાને કારણે નહીં પણ વતન જવા માટે બીજું જ કારણ જણાવ્યું હતું. તેઓનું કહેવું છે કે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જઈ રહ્યા છે પણ લોકડાઉનને લઈને નહીં પરંતુ વતનમાં પ્રસંગ અને આવનારા હોળીના તહેવારોને લઈને જતા હોવાનું સામે આવ્યુ છે.
કોરોના બાબતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે જેને કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂતકાળમાં લોકડાઉનને બાદ વતન જવા માટે શ્રમિકોની હાલત કફોડી થઈ હતી. સુરતમાં છેલ્લા 20 દિવસમાં જે રીતે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેના કારણે લોકડાઉન કરવાની ફરજ પડે તેવી અફવાએ જોર પકડ્યું છે. ત્યારે આ શ્રમિકો બસ અને ટ્રેન દ્વારા પોતાના વતન જવા નિકળી પડ્યાં છે.
ચર્ચા એવી પણ છે કે હોળીના તહેવારના કારણે ટ્રેનોમાં ભારે ભીડ છે તેથી લોકો બસોમાં જઈ રહ્યા છે. કેટલાક ટ્રાવેલ્સ એજન્ટ પણ અફવા ફેલાવીને મોટી કમાણી કરવાના ચક્કરમાં હોવાથી તેઓ લોકડાઉનની અફવા ફેલાવી રહ્યા છે. સામાન્ય લોકો અફવાને સાચી માનીને વતન તરફ જવા માટે બસોનો સહારો લઇ રહ્યાં છે, આ અફવાને રોકવા માટે પોલીસ પણ સક્રિય થઈ છે. સુરતની પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.