સુરત: (Surat) શહેરમાં સતત ટ્રાફિકથી (Traffic) ધમધમતા વરાછા મેઇન રોડ પર મેટ્રોની (Metro) કામગીરીમાં વચ્ચે આવતી પાણીની લાઈન શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે વરાછા મેઈન રોડ પર બે જગ્યા પર સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો હોય સોમવારે સવારથી એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
- એક બાજુ મેટ્રોના બેરીકેટ બીજી બાજુ પાણીની લાઇનું કામ ચાલુ થતા વરાછા રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો
- લોકોમા રોષ જોતો મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર દોડી જઇ પોલીસ અધિકારીઓને બોલાવી ટ્રાફિક નિયમન માટે સુચના આપી
મેટ્રો અને મહાનગર પાલિકાના સંકલનના અભાવના કારણે ડાઈવર્ઝન પણ ન અપાતા આ સમસ્યા સર્જાઈ હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દરમિયાન મેયર સુધી આ વાત પહોંચતા દક્ષેશ માવાણીએ સ્થળ પર દોડી જઇ પોલીસ અધિકારીઓને બોલાવી ટ્રાફિક નિયમન માટે સુચના આપી હતી.
વિસ્તૃત વિગતો મુજબ વરાછાના લંબે હનુમાન રોડ પર મેટ્રોના અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન માટે લાઇન શિફ્ટિંગની કામગીરી ચાલી રહી હોવાથી વરાછા રોડ પર મીની બજાર પાસે અને બરોડા પ્રિસ્ટેજ પાસે બે જગ્યા પર પાણીની લાઈનનું શિફ્ટિંગ ચાલી રહ્યું છે. ટ્રાફિકથી સતત ધમધમતા વરાછા મેઇન રોડ ઉપર બે જગ્યા પર કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં કોઈ ડાયવર્જન આપવામાં આવ્યું નથી. જેને પગલે પાલિકા અને મેટ્રોના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. સવારે બે કીમીનો જામ થઇ જતા આખરે મેયર સુધી ફરિયાદ પહોંચી હતી અને મેયરે સ્થળ પર જઇ હંગામી ધોરણે ટ્રાફિક નિયમની વ્યવસ્થા કરી હતી.