સુરત : (Surat) સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પુરઝડપે ચાલી રહી છે. સુરતમાં એલિવેટેડ રૂટના પીલરના કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનની (Under Ground Station) કામગીરી માટે જરૂરી એવા ટનલ બોરીંગ મશીનના ટેસ્ટીંગની કામગીરી પણ પુર્ણ થઈ ચુકી છે. સાથે સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GujaratMetroRailCorporation) દ્વારા મેટ્રોના ફેઝ-1 તેમજ ફેઝ-2 ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા છે. જેથી સુરત મેટ્રોની કામગીરી પણ ઝડપ પકડી રહી છે. તો હવે જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.
- સુરત મેટ્રો માટે સિંગલ, કર્વ્ડ, ક્રોસિંગ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક હશે
- સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે
શહેરમાં મેટ્રોનાં કુલ 39 સ્ટેશન આકાર લેશે. જેમાં વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે. જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે. તેમજ રૂપાલી કેનાલ પાસે મેટ્રો સ્ટેશન ક્રોસ આકારનું બનશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે. એટલે કે મેટ્રોની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે. કારણકે, અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે. સુરત મેટ્રોના રૂટમાં ઘણી વિવિધતા હોવાથી સિંગલ ટર્નઆઉટ, કર્વ્ડ ટર્નઆઉટ, ક્રોસિંગ ટર્નઆઉટ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક એવા વિવિધ પ્રકારના ટ્રેક હશે.
મેટ્રો પર નજર રાખવા માટે સુરતમાં બે સ્થળે કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવાશે
હાલમાં સુરત મેટ્રો માટે 3 પેકેજનું કામ ફુલફ્લેજમાં ચાલી રહ્યું છે અને અન્ય પેકેજો માટેના ટેન્ડરો બહાર પાડી દેવાયા છે. તેમજ અન્ય મશીનરી, સાધનસામગ્રી માટે પણ ટેન્ડરો એક પછી એક બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં મેટ્રોના મોનિટરિંગ (Monitoring) માટે બે સ્થળોએ કંટ્રોલ સિસ્ટમ સેન્ટર (Control System Center) બનાવવામાં આવશે. જેમાં એક ડ્રીમ સિટીના (Dream City) ડેપો પાસે અને અન્ય ભીમરાડ નજીકના ડેપો પાસે બનશે. હાલમાં ડ્રીમ સીટી ડેપો પાસે આકાર પામનારા કંટ્રોલ સિસ્ટમ સેન્ટર માટેના ટેન્ડર મંગાવાયા છે.
કુલ રૂા. 12,020 કરોડના સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે બે રૂટ નક્કી કરાયા છે. જેમાં એક ડ્રીમસીટીથી સરથાણા 22.77 કિ.મી તેમજ બીજા રૂટ સારોલીથી ભેસાણ માટે 19.26 કિ.મીનો રૂટ છે. શહેરમાં કુલ 7.02 કિ.મી ના અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. આ તમામ રૂટ અને સ્ટેશનો પર મોનિટરિંગ રાખવા માટે કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવવામાં આવશે. જેના થકી મેટ્રોની ગતિવિધિ પર સતત નજર રાખી શકાશે તેમજ સિક્યુરિટી અને અન્ય તમામ કમાન્ડ કંટ્રોલ કરી શકાશે.
સુરત મેટ્રો માટે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ હશે
સુરત મેટ્રો માટે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ હશે. આ CBTC (કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ) પર આધારિત CATC (ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ સિસ્ટમ) જેમાં ATP (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન), ATO (ઓટોમેટિક ટ્રેન ઓપરેશન) અને ATS (ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન) સબસિસ્ટમનો સમાવેશ કરાશે. જેમાં ટ્રેકસાઇડ અને ટ્રેન વચ્ચે રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરી સંચાલન કરવામાં આવશે. ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી) સિસ્ટમ સલામત ટ્રેનની કામગીરી પર સતત નજર રાખે છે અને જો ટ્રેન યોગ્ય કામ ન કરતી હોય તો જરૂરી ફેરફાર કરી શકાશે.