સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો (Station) બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ (Tunnel) બનાવવામાં આવી રહી છે. હાલ ગુલેમાર્ક એજન્સીએ કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી (1.2 કિ.મી.) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજું ટીબીએમ મશીન પણ ઉતારી દેવાયું છે. તેમજ હવે જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે ટીબીએમ મશીન તૈનાત કરી દેવાયું હોવાથી સંભવત: મંગળવારથી ટનલ ખોદાણ શરૂ થશે.
મેટ્રો: સ્ટેશનથી ચોકબજાર સુધીના અંડર ગ્રાઉન્ટ રૂટ માટે આજથી ટનલ બોરિંગ મશીન કામ પર લાગશે
કાપોદ્રાથી લાભેશ્વર સુધીના વિસ્તારમાં અડધે સુધી ટનલ ખોદાઈ ગઈ
સ્ટેશનથી ચોક બજાર વચ્ચે ટનલ ખોદવાનું શરૂ થતાં કોટ વિસ્તારની જમીન નીચે શું સ્થિતિ છે એ અંગે પણ માહિતી બહાર આવશે
ગુલેમાર્ક કંપની દ્વારા કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીની ટનલ બનાવાશે, જેમાં પ્રથમ તબક્કામાં કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધીની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. જે માટે હવે બંને ટીબીએમ સ્થળ પર કાર્યરત કરી દેવાયાં છે. તેમજ જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલ માટે ટનલ બોરિંગ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરાઈ છે. આ ટીબીએમ મશીન દ્વારા રિંગ બિલ્ડિંગની કામગીરી એપ્રિલ માસમાં શરૂ થવાની હતી. પરંતુ તેના ત્રણ દિવસ પહેલાં શરૂ થવાની શક્યતા છે અને મે માસ સુધીમાં ટનલ ખોદાણની કામગીરી શરૂ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે. શરૂઆતમાં ટીબીએમની અંતર કાપવાની ગતિ ધીમી હોય છે. પરંતુ ધીરે ધીરે મશીન દ્વારા ઝડપથી કામ કરવામાં આવતું હોય છે. જે.કુમાર દ્વારા ચોકબજાર, મસ્કતિ અને સુરત રેલવે સ્ટેશન એમ ત્રણ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટે ટનલ બનાવવાની કામગીરી કરાશે.