સુરત(Surat) : સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે ધમધમાટ ચરમસીમાએ છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે. જીએમઆરસી (GMRC) દ્વારા મેટ્રોના પ્રથમ રૂટ માટે કાપોદ્રાથી શરૂ કરીને છેક ડ્રીમ સિટી (Dream City) સુધી ટ્રેક તૈયાર કરવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રથમ રૂટની સાથે સાથે હવે બીજા રૂટ માટે પણ મેટ્રો રેલના ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા છે. પ્રથમ રૂટના બે સેકશન અને બીજા રૂટના બે સેકશન મળીને ચાર સેકશન માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. બે સેકશનમાં સારોલીથી ભેંસાણ સુધીનો આખો બીજો રૂટ આવરી લેવામાં આવ્યો છે.
- હાલમાં પ્રથમ રૂટના ચાર સેકશનની કામગીરી ધમધમાટ ચાલી રહી છે
- પ્રથમ રૂટમાં પણ બાકીના 286 કરોડના સરથાણાથી કલાકુંજ સુધીના અંતિમ સેકશન માટે ટેન્ડરો બહાર પડ્યા
જીએમઆરસી દ્વારા જે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા તેમાં પ્રથમ રૂટમાં સરથાણાથી શરૂ કરીને નેચરપાર્ક, વરાછા ચોપાટી, સ્વામિનારાયણ મંદિર, કલાકુંજ સુધીનો રૂટ આવરી લેવામાં આવ્યો છે. પ્રથમ રૂટનો આ અંતિમ સેકશન છે. જે 4.15 કિમીનો છે. આ એલિવેટેડ રૂટ માટેનો અંદાજીત ખર્ચ રૂપિયા 286 કરોડ આંકવામાં આવ્યો છે. આ સેકશનના ટેન્ડર માટે 8 એજન્સીઓ દ્વારા રસ બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજા રૂટમાં બે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. આ પેકેજને સીએસ-5 અને સીએસ-6 નામ આપવામાં આવ્યું છે. જેમાં 15 એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા છે. જે પૈકી સી.એસ-5 પેકેજમાં 10.55 કિ.મી ના રૂટ (ભેસાણ-અડાજણ-મજુરાગેટ )જેમાં 11 સ્ટેશન હશે. જે માટેનો અંદાજીત ખર્ચ રૂા. 870 કરોડ તેમજ સી.એસ-6 પેકેજમાં 8.70 કિ.મી ના રૂટ(મજુરાગેટ-સારોલી) માં કુલ 7 સ્ટેશન હશે. જે માટેનો અંદાજીત ખર્ચ રૂા. 591 કરોડ થશે. સી.એસ 5 પેકેજ માટે 6 એજન્સી અને સી.એસ-6 પેકેજ માટે 9 એજન્સીઓએ રસ દાખવ્યો છે. આ બીડ પૈકી ટેકનિકલ બીડ મૂલ્યાંકન માટે મોકલવામાં આવી છે. જે પૂર્ણ થવામાં બે મહિનાનો સમય લાગશે. અને ત્યારબાદ ટેકનિકલ લાયકાત ધરાવતા બીડર્સની નાણાકીય બીડ ખોલવામાં આવશે.
સરથાણાથી કલાકુંજ સુધીના રૂટ માટે ટેન્ડર ભરનાર એજન્સી
1) અશોકા બિલ્ડકોન લી.
2) દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઈન્ફ્રાકોન
3) એવ્રાસ્કોન-વરીએન્દ્ર કન્સ્ટ્રક્શન
4) કળથિયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન
5) કે.ઈ.સી ઈન્ટરનેશનલ
6) એમ.સી.એલ- વાય.એફ.સી
7) રણજીત બિલ્ડકોન
8) રેલ વિકાસ નિગમ લિ.
ભેંસાણથી મજૂરાગેટ સુધીના મેટ્રો રૂટ માટે ટેન્ડર ભરનાર એજન્સી
- 1) અશોકા બિલ્ડકોન લિ.
- 2) ડી.આર.એ ઈન્ફ્રાકોન
- 3) જી.આર ઈન્ફ્રાપ્રોજેક્ટ
- 4) એલ એન્ડ ટી
- 5) રણજીત બિલ્ડકોન
- 6) વાય.એફ.સી પ્રોજેક્ટ-કે.ઈ.સી ઈન્ટરનેશનલ
મજૂરાગેટથી સારોલી સુધીના મેટ્રો રૂટ માટે ટેન્ડર ભરનાર એજન્સી
- 1) દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઈન્ફ્રાકોન
- 2) દિલીપ બિલ્ડકોન
- 3) એવ્રાક્સોન-વરીએન્દ્ર કન્સટ્રક્શન
- 4) એચ.જી ઈન્ફ્રા
- 5) કે.ઈ.સી ઈન્ટરનેશનલ
- 6) એલ એન્ડ ટી
- 7) રેલ વિકાસ નિગમ લી.
- 8) રણજીત બિલ્ડકોન
- 9) વાય.એફ.સી-એમ.સી એલ