SURAT

સુરત: મેટ્રો રેલનું સ્ટેશન બનાવવા ચોકબજારની SBI બેંકનુ સ્થળાંતર કરાશે

સુરતઃ (Surat) કોરોનામાં થોડી ધીમી પડી ગયેલી મેટ્રો રેલ પ્રોજેકટની (Metro Rail Project) કામગીરી હવે સુરતમાં ફરી તેજ બની ગઈ છે. પ્રથમ ફેઇઝ અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટનું કામ ચાલુ થઇ ગયું છે. આ સપ્તાહમાં કાદરશાની નાળથી ડ્રીમ સિટી વચ્ચેના એલિવેટેડ રૂટ માટે પાઇલિંગની કામગીરી શરૂ થવાની છે, ત્યારે મેટ્રો રેલના એક્ઝિક્યુટિવ ડાયરેકટર અને મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ મંગળવારે કોટ વિસ્તારમાં બનનારા મેટ્રો રેલના સ્ટેશનનો તેમજ અન્ય કામગીરીના સ્થળોની મુલાકાત લીધી હતી. ખાસ કરીને મેટ્રોના અંડર ગ્રાઉન્ડ સ્ટેશન (Under Ground Station) માટે જ્યાં રેમ્પ બનવાનો છે તે એસબીઆઇ બેંકવાળી (SBI Bank) જગ્યા અને જયા મલ્ટિલેવલ પાર્કિંગ (Parking) બનવાનું છે તે કસ્તુરબા ગાર્ડનવાળી જગ્યા અંગે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.

  • મેટ્રો સ્ટેશનની નજીકમાં પે એન્ડ પાર્કની જરૂરિયાતને ધ્યાને રાખીને કસ્તુરબા ગાર્ડનની પાસે મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવાશે
  • સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા કોટ વિસ્તારના મેટ્રો રેલ સ્ટેશનની વિવિધ જગ્યાઓની મુલાકાત લેવામાં આવી
  • હેરિટેજ સ્કવેરના પ્રોજેકટ વખતે બચી ગયેલી એસબીઆઈ બેંકનું સ્થળાંતર મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે થશે તે નકકી

મેટ્રો રેલના કુલ રૂા. 12,636 કરોડનો પ્રોજેક્ટ બે ફેઝમાં વહેંચાયો છે. હાલમાં સરથાણાથી ડ્રીમસિટીના રૂટ પર સોઈલ ટેસ્ટિંગ(જમીન-પરીક્ષણ)ની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. તેમજ બીજા ફેઝના રૂટ માટે પણ સર્વે શરૂ કરી દેવાયો છે. તેમજ જે રૂટ પરથી મેટ્રો પસાર થશે ત્યાં લાઈનદોરી મુકાવવાની પણ મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજમાર્ગ પર અંડર ગ્રાઉન્ડ રૂટ માટે પાઇલ ટેસ્ટિંગનું કામ પુર્ણ થવા પર છે. ત્યારે મંગળવારે મનપા કમિશનર, મેટ્રો રેલના ઉચ્ચ અધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓ ચોક વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

નિરીક્ષણ દરમિયાન બહાર આવેલી હકીકતો પ્રમાણે, હાલમાં જ્યાં 100 વર્ષથી પણ જૂની ચોકબજાર સ્થિત એસબીઆઇ બેંક છે ત્યાં ચોકબજાર મેટ્રો સ્ટેશન માટેનો રેમ્પ બનશે. તેથી હેરિટેજ સ્કવેરના પ્રોજેકટ વખતે બચી ગયેલી આ બેંકનું સ્થળાંતર થશે તે નકકી છે. આ ઉપરાંત અવાવરૂ થઇ ગયેલા અને અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા કસ્તુરબા ગાર્ડનવાળી જગ્યાનો પણ સદ્ઉપયોગ કરીને મેટ્રો સ્ટેશનને ધ્યાને રાખીને અહીં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન કરાયું છે.

Most Popular

To Top