સુરત મેટ્રો: ભેસાણથી મજૂરાગેટ સુધીના 10.55 કિ.મીના એલીવેટેડ રૂટ પર ટૂંક સમયમાં શરૂ કરાશે આ કામગીરી

સુરત: (Surat) સુરત માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટની (Metro Rail Project) કામગીરી જોશભેર કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં મેટ્રોના પ્રથમ ફેઝની કામગીરી માટે 6 મેઈન રોડ પણ વાહનવ્યવહાર માટે આંશિક બંધ કરી દેવાયા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના 21.61 કિ.મીના રૂટ (Root) માટે મેટ્રોની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. હાલમાં 14.59 કિ.મીના એલીવેટેડ રૂટ અને 7.02 કિ.મીના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે મેટ્રોના ફેઝ-2 ના ભેસાણથી સારોલીના રૂટની કામગીરી શરૂ કરવા માટે જીએમઆરસી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અને ભેસાણથી મજૂરાગેટ સુધીના 10.55 કિ.મી ના રૂટ માટે ટેન્ડર મંગાવાયા છે. સુરત મેટ્રોમાં ફેઝ-2 માં કુલ ભેસાણથી સારોલી સુધીનો કુલ 18.74 કિ.મીનો રૂટ છે. જે પૈકી હાલ ભેસાણથી મજૂરાગેટ સુધીના 10.55 કિ.મીના રૂટ માટે ટેન્ડર મંગાવાયા છે. જેમાં કુલ 11 સ્ટેશનો હશે.

રૂા. 12,114 કરોડના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમ ફેઝની કામગીરીમાં કાદરશાની નાળથી ડ્રીમસીટીના 10 કિ.મી નાએલીવેટેડ રૂટની કામગીરી સદ્ભાવ એન્જીનીયરીંગ અને એસ.પી સીંગલા દ્વારા કરવામાં આવી રહી છે. તો કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશનના 3.46 કિ.મીના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી ગુલેમાર્ક દ્વારા તો સુરત રેલવે સ્ટેશન-ચોકબજારના 3.5 કિ.મી ના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી જે.કુમાર દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જેથી જીએમઆરસીએ સુરત મેટ્રોની કામગીરી ઝડપથી પુર્ણ કરવા બીજા ફેઝની કામગીરી પણ શરૂ કરવા તૈયારી કરી લીધી છે. જેથી ફેઝ-2 ના ભેસાણથી મજૂરાગેટ સુધીના એલીવેટેડ રૂટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

ભેસાણથી મજૂરાગેટ સુધીના 10.55 કિ.મીના એલીવેટેડ રૂટ પર 11 સ્ટેશન હશે
જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો ફેઝ-2 ના ભેસાણથી સારોલી રૂટ પૈકીના ભેસાણથી મજૂરાગેટ રૂટ માટેના જ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ રૂટ કુલ 10.55 કિ.મીનો હશે. જેમાં કુલ 11 સ્ટેશન આવશે. આ સમગ્ર રૂટ એલીવેટેડ હશે. હાલ ફેઝ-2 ના પ્રથમ પેકેજ માટે કામગીરી શરૂ કરાવાશે. ત્યારબાદ બાકી રહેતા મજૂરાગેટથી સારોલી માટેના રૂટ માટે ટેન્ડર મંગાવાશે તેમ જીએમઆરસીના અધિકારીએ જણાવ્યું હતું.

  • બીજા ફેઝ અંતર્ગત કુલ 18.74 કિ.મીના રૂટ પર કુલ 18 સ્ટેશનો હશે
  • ભેસાણ બોટનિકલ ગાર્ડન
  • ઉગત વારીગૃહ
  • પાલનપુર રોડ
  • એલ.પી. સવાણી સ્કૂલ
  • પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર
  • અડાજણ ગામ
  • એક્વેરિયમ
  • બદ્રીનારાયણ મંદિર
  • ચોપાટી
  • મજુરા ગેટ
  • ઉધના દરવાજા
  • કમલા દરવાજા
  • આંજણા ફાર્મ
  • મોડેલ ટાઉન
  • મગોબ
  • ભારત કેન્સર હોસ્પિટલ
  • સારોલી

મજૂરાગેટ સ્ટેશન ઈન્ટરસેક્શન સ્ટેશન બનશે
સુરત શહેરમાં સુરત મેટ્રોની કામગીરીને બે ફેઝમાં વહેંચવામાં આવી છે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમસીટીથી સરથાણા રૂટ છે. અને અન્ય બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીનો રૂટ છે આ બંને રૂટમાં મજૂરાગેટ મેટ્રો સ્ટેશન એ ઈન્ટરસેક્શન સ્ટેશન બનશે. કારણ કે, બંને રૂટ મજૂરાગેટ સ્ટેશન પાસે મર્જ થાય છે. એટલે કે, સુરત મેટ્રોના બંને રૂટ શરૂ થતા મજૂરાગેટ ઈન્ટરસેક્શન સ્ટેશન પરથી મુસાફરો એક રૂટથી બીજા રૂટ માટે ટ્રેન બદલી શકશે.

ભેસાણથી મજૂરાગેટ એલીવેટેડ રૂટમાં મેટ્રો માટે તાપી નદી પર પણ બ્રિજ બનશે
મેટ્રો રેલ સુરતમાં જમીનથી ઉપર એટલે કે એલીવેટેડ રૂટ પર, જમીનની નીચે એટલે કે અંડરગ્રાઉન્ડ રૂટમાં, જમીન પર એટલે કે રસ્તા પરની સાથે સાથે નદી પર પણ દોડશે, મેટ્રોના બીજા ફેઝના રૂટ સારોલીથી ભેસાણ માટે મેટ્રો રેલ માટે અઠવા ચોપાટીથી સામા કાંઠે અડાજણ બદ્રિનારાયણ મંદિરને જોડતો બ્રિજ બનશે. અહી મેટ્રો રેલ સરદાર બ્રિજ અને કેબલ બ્રિજની વચ્ચેથી દોડશે.હાલમાં ભેસાણથી મજૂરાગેટ સુધીના 10 સ્ટેશનો માટેની કામગીરી માટે ટેન્ડર મંગાવાયા છે.

Most Popular

To Top