સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) સુરતીજનો માટે ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. શહેરની ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી અત્યારથી જ માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને તંત્ર દ્વારા મજબુત બનાવવામાં આવી રહી છે. સુરત શહેરમાં હવે મેટ્રોની કામગીરી ઓન રોડ પણ દેખાવા માંડી છે. સુરત મેટ્રોના ફેઝ-1ના એક ચોક્કસ રૂટ પર વર્ષ 2023ના અંત સુધીમાં મેટ્રો દોડતી થઈ જાય તે માટે કામગીરી પુરઝડપે કરવામાં આવી રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ચોમાસા (Monsoon) દરમિયાન પણ મેટ્રોની કામગીરી બંધ રાખવામાં આવશે નહીં. જે માટેની તમામ વ્યવસ્થા જી.એમ.આર.સી (GMRC) દ્વારા કરી લેવામાં આવી છે.
- સુરત મેટ્રો: ચોમાસામાં પણ મેટ્રોની કામગીરી બંધ નહીં રહે
- મેટ્રોની હાલ ચાલતી તમામ કન્સટ્રક્શન સાઈટ પર પમ્પિંગ મશીનો ગોઠવી દેવાશે
- હાલમાં મેટ્રોના ફેઝ-1ના અંડરગ્રાઉન્ડ રૂટ માટે તેમજ એલીવેટેડ રૂટની કામગીરી શરૂ થઈ ચુકી છે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પણ મેટ્રોની તમામ કન્સટ્રક્શન સાઈટ પર કામ ચાલુ જ રહેશે અને તે માટે તમામ સાઈટ પર પમ્પિંગ મશીનની વ્યવસ્થા કરી દેવામાં આવશે. જો કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો થશે તો પાણી બહાર કાઢી કામ ચાલુ કરી દેવાશે. હાલમાં મેટ્રોના ફેઝ-1ના અંડરગ્રાઉન્ડ રૂટ માટે તેમજ એલીવેટેડ રૂટની કામગીરી શરૂ થઈ ચુકી છે. તેમજ ફેઝ-1ના અંતિમ તબક્કા માટેના ટેન્ડરો પણ આવી ગયા છે. જેથી કન્સટ્રક્શન કામ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. જેમાં હવે બ્રેક લાગશે નહીં અને ચોમાસા દરમિયાન પણ ફુલફ્લેજમાં કામ ચાલુ જ રહેશે.
ફેઝ-2 સારોલીથી ભેંસાણના રૂટના ટ્રેક માટે પણ ટેન્ડરો બહાર પાડી દેવાયા
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ફેઝ-1 તેમજ ફેઝ-2ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા છે. જેથી સુરત મેટ્રોની કામગીરી પણ ઝડપ પકડી રહી છે. તો હવે જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે હવે ફેઝ-2ના જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. સુરત મેટ્રોના રૂટમાં ઘણી વિવિધતા હોવાથી સિંગલ ટર્નઆઉટ, કર્વ્ડ ટર્નઆઉટ, ક્રોસિંગ ટર્નઆઉટ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક એવા વિવિધ પ્રકારના ટ્રેક હશે.