SURAT

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ: કાસ્ટિંગ યાર્ડ માટે GMRCએ આ બે વિસ્તારોમાં મનપા પાસે જમીન માંગી

સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને મેટ્રો રેલની કામગીરી માટે આનુસાંગિક જમીનો મનપા પાસેથી મેળવવા ધડાધડ ઠરાવો થઇ રહ્યા છે. ત્યારે અગાઉ અલથાણમાં મેટ્રો રેલના વહીવટી ભવન માટે અલથાણ કેનાલ નજીક મનપા દ્વારા નિયમ મુજબ કિંમત વસૂલીને જમીન ફાળવવા અને રાંદેર ઝોનમાં વર્કશોપ અને ડેપો માટે પણ એજ રીતે જમીન ફાળવવાના ઠરાવ થયા બાદ હવે પાલનપુર-ભેંસાણ અને ભીમરાડમાં કાસ્ટિંગ યાર્ડના (Casting yard) હંગામી ઉપયોગ માટે જરૂરી જમીનની (Land) ફાળવણી ભાડું વસૂલીને કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે.

  • મનપા ભાડા પટ્ટે જમીનની ફાળવણી કરશે : અગાઉ મેટ્રો ભવન માટે અલથાણ અને વર્કશોપ માટે રાંદેર ઝોનમાં જમીન ફાળવણીના ઠરાવો થયા છે
  • કોરિડોર માટે સિમેન્ટ અને લોખંડના ગર્ડર અને અન્ય જરૂરી ભાગોનું નિર્માણ એક જ જગ્યાએથી થઇ શકે તે માટે કાસ્ટિંગ યાર્ડ બનાવવું જરૂરી

આશરે 12000 કરોડના આ આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં મેટ્રો રેલ કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી અને કોરીડોર-2 ભેંસાણથી સારોલીના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથણ ફેઇઝનું કામ ત્રણ ભાગમાં શરૂ થઇ ગયું છે. જ્યારે બીજા કોરિડોર માટે પણ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે બંને કોરિડોર માટે સિમેન્ટ અને લોખંડના ગર્ડર અને અન્ય જરૂરી ભાગોનું નિર્માણ એક જ જગ્યાએથી થઇ શકે તે માટે કાસ્ટિંગ યાર્ડ બનાવવું જરૂરી હોવાથી મેટ્રો રેલ કોર્પોરેશનને ત્રણથી સાડા ત્રણ હેક્ટર જેટલી જગ્યાની હંગામી ધોરણે જરૂર છે.

તેથી સુરત મનપામાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં.9 પાલનપુર-ભેંસાણના ફાઇનલ પ્લોટ નં.155,156માં કુલ 26508 ચોરસ મીટર જમીન અને ટી.પી. સ્કીમ નં.42 (ભીમરાડ), ફાઇનલ પ્લોટ નં.68,69માં 33744 ચોરસ મીટર જગ્યા કાસ્ટિંગ યાર્ડના ઉપયોગ માટે હંગામી ધોરણે યોગ્ય ભાડાથી માંગી છે. જે બાબતે સ્થાયી સમિતિની મીટિંગમાં શાસકો નિર્ણય લેશે.

મેટ્રો રેલના રૂટ માટે ખેતરોમાં પણ લાઇનદોરી

સુરત: સુરત મેટ્રો રેલના સૂચિત સ્ટેશનનું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં મેટ્રો રેલના રૂટ માટે ગામના ચારથી વધુ ખેતરોમાં પણ લાઇનદોરીની કપાત મુકવામાં આવતાં ખેડૂતોમાં ગણગણાટ થયો છે. આ ખેતરોમાં હાલમાં સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાથી આ કામગીરી અટકી નહીં પડે તે માટે મ્યુનિ.કમિ.ની આગેવાનીમાં જીએમઆરસી તથા ખેડૂતો અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોએ પોતે માત્ર ખેતી જ કરતાં હોવાથી લાઇનદારોની અસરમાં આવતી જમીન આપવા સામે તેમના પરિવારની આજીવિકા અટવાઈ જતી હોવાની રજૂઆતો કરી હતી. જોકે, સામે મનપાએ જો કપાતની જમીન આપવામાં આવે તો ટીપી સ્કિમમાં લેવામાં આવનાર 40 ટકા જમીનનો લાભ આપી ફાયનલ પ્લોટ નંબર ફા‌ળવી દેવાની તૈયારી બતાવાઈ હતી.

Most Popular

To Top