સુરત: (Surat) સુરતમાં મેટ્રો રેલ માટેની (Metro Rail) કામગીરીનો ધમધમાટ ધીરેધીરે વધી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટ કરતી જીએમઆરસીએ આજે ભટાર રોડથી મજુરા ગેટ તરફના એલિવેટેડ રૂટના (Elevated route) નિર્માણ કાર્યમાં મજુરા વચ્ચે આવતી ફાયર સ્ટેશનની ક્વાર્ટ્સ બિલ્ડિંગ વાળી કોર્નરની જમીન ઉપર માર્કિંગ કરવાની શરૂઆત કરી હતી. હાલમાં જ આ જગ્યા પરની જર્જરીત બિલ્ડિંગને મનપા દ્વારા તોડી પાડવામાં આવી હતી. મેટ્રો રૂટમાં અસર પામતી જમીનને ખુલ્લી કરી આપવા પણ જાણ કરવામાં આવી છે. જીએમઆરસીએ મનપાને પત્ર લખીને વધુ એક સરકારી મિલકતને કપાતમાં લેવી પડશે તેવી જાણ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, ડ્રીમ સિટીથી ગાંધીબાગ સુધીના એલિવેટેડ રૂટમાં રૂપાલી નહેરથી મજુરા ગેટ તરફના વળાંક માટે હયાત મજુરા ફાયર સ્ટેશનની જમીન પણ કપાતમાં લેવામાં આવનાર છે. આ માટેની કામગીરી હવે જીએમઆરસી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મનપાએ મજુરા ફાયર સ્ટેશનની બિલ્ડિંગ હાલમાં તોડી પાડ્યા બાદ હવે તેની પર માર્કિંગ કરવાની શરૂઆત કરી છે. જીએમઆરસીએ મનપાને આ જમીન પરથી કાટમાળ ઝડપથી હટાવી આપવા માટે પણ જણાવ્યું છે કે જેથી માર્કિંગ કરીને તેટલી જમીનનો કબજો લઈ શકાય.
મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખેડૂતો સાથે વચન ભંગનો આક્ષેપ
સુરત : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યાર મેટ્રોના ડ્રીમ સિટીથી સરથાણાના પ્રથણ ફેઇઝમાં ખજોદના ખેડૂતોની જે જમીનો કપાતમાં જાય છે, તેને મીંઢોળા નદીની આસપાસની બિનઉપજાઉ જમીન આપવા મેટ્રો રેલ કોર્પોરેશને હિલચાલ શરૂ કરી હોય, ખેડૂતો દ્વારા આ મુદ્દે વિરોધ કરીને જો અન્યાય થશે તો ઉગ્ર લડતની ચીમકી આપી છે.
તાજેતરમાં સુડા ભવન વેસુ ખાતે મેટ્રો રેલ અને ડ્રીમ સિટીના અધિકારીઓ સાથે ખજોદ ગામના ખેડૂતોની મીટિંગમાં ડ્રીમ સિટીના અધિકારીઓ એ પ્રોજક્ટ નકશામાં દર્શાવ્યા મુજબ ખજોદ ગામના ખેડૂતોની પાંજરું, ભાથલી, ડભારિયાની ખેતીલાયક જમીન કે જેની પર ખેડૂતો ખેતી કરી પોતાની આજીવિકા મેળવી જીવન ગુજારે છે એવી તમામ જમીનો ડ્રીમ સિટીના પ્રોજેક્ટમાં સમાવેશ કરી તેના બદલામાં અન્ય જમીન આપવા અંગે ફોડ પાડ્યો હતો. જો કે, મેટ્રો રેલ દ્વારા જે જમીન આપવાની તૈયારી બતાવાઇ છે, તે હાલની જમીનોને બદલે અંતિમ ખંડ તરીકે મીંઢોળા નદીની આજુબાજુમાં આવેલી બંજર, બિનઉપજાઉ, ખેતી નહીં કરી શકાય તેવી જમીનો ફાળવવાની તજવીજ થઇ રહી હોવાનું ખેડૂતોના ધ્યાને આવતાં આ અન્યાય સામે ખેડૂતોમાં વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું ખેડૂત પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે.