SURAT

સુરત મેટ્રો રેલ: અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે શહેરનું આ મોટું પોલીસ સ્ટેશન તોડવું પડે તેવી સ્થિતિ

સુરત: (Surat) સુરતના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલના (Metro Rail) કોરિડોર માટે જોરશોરથી કામગીરી ચાલુ થઇ ચૂકી છે. ત્યારે હવે ધીમે ધીમે આ કોરિડોરને કારણે અસરગ્રસ્ત થઇ રહેલા લોકોમાં વિરોધ તેમજ જુદી જુદી માંગણીઓ પણ વેગ પકડી રહી છે. આ પ્રોજેક્ટના પ્રથમ ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 21 કિ.મી.ના રૂટનો સમાવેશ થાય છે. તેમાં લાભેશ્વરથી ચોકબજાર સુધી છ કિ.મી.નો રૂટ અંડર ગ્રાઇન્ડ છે. આ રૂટમાં મસ્કતિ હોસ્પિટલ પાસે અંડરગ્રાઉન્ડ સ્ટેશન (Under Ground Station) બનવાનું છે તેના માટે મહિધરપુરા પોલીસ સ્ટેશન (Police Station) તેમજ વરસો જૂની મોચીની ચાલનું ડિમોલિશન કરવું પડે તેમ છે. તેથી મોચીની ચાલમાં 100 વરસથી વસતા પરિવારોમાં ચિંતાની લાગણી છે.

  • મેટ્રો રેલ પ્રોજેક્ટ : રાજમાર્ગની મોચી ચાલના રહીશોએ દિવાળીને ધ્યાને રાખી ડિમોલિશન મુલતવી રાખવા રજૂઆત કરી
  • મોચી ચાલમાં મોટા ભાગે જૂના ભાડુતો રહેતા હોવાથી તેમણે વૈકલ્પિક આવાસો માટે પણ માંગણી કરી
  • અંડર ગ્રાઇન્ડ સ્ટેશન માટે મહિધરપુરા પોલીસ સ્ટેશન તોડી પડાય તેવી શક્યતા

મોચીની ચાલના લોકોને નોટિસ પાઠવી દેવામાં આવી છે. જો કે, અહીં રહેતા મોટા ભાગના લોકો ભાડુઆતો હોવાથી તેને કોઇ વૈકલ્પિક વ્યવસ્થા મળે તેવી શક્યતા ન હોવાથી આ લોકોએ મેયરને મળીને દિવાળીના તહેવારો ધ્યાને રાખી ડિમોલિશન મુલતવી રાખવા અને યોગ્ય જગ્યાએ વૈકલ્પિક આવાસ આપી રસ્તા પર આવી જતાં બચાવવા રજૂઆત કરવામાં આવી હતી.

ભેસ્તાનના સરસ્વતી આવાસના વધુ 51 અસરગ્રસ્તનું શિફ્ટિંગ

સુરત: સુરત મનપાના ઉધના ઝોનમાં ભેસ્તાન ખાતેના જર્જરિત સરસ્વતી આવાસોના રહીશોને સ્થળાંતર માટે મનપા દ્વારા વારંવાર નોટિસ પાઠવ્યા બાદ પણ મનપાએ નક્કી કરેલી વૈકલ્પિક વ્યવસ્થામાં હંગામી ધોરણે રહેવા જવા તૈયાર થતા ન હતા. દરમિયાન અહીં 2 માસમાં જ બે વખત સ્લેબના પોપડા પડતાં બે બાળકીનાં મોત થતાં આખરે ઉધના ઝોને જોખમી આવાસોનાં નળ તેમજ ગટરનાં કનેક્શન કાપી નાંખ્યાં હતાં. ઉપરાંત ઉધના ઝોનના અધિકારીઓએ અહીંના પરિવારો સાથે સંવાદ કરી તેને મનપાએ નક્કી કરેલા ભેસ્તાન ગોલ્ડન આવાસ તેમજ વડોદના રિપેર કરી દેવાયેલાં આવાસોમાં હંગામી ધોરણે શિફ્ટ થવા અને અહીંનાં આવાસો રિડેવલપ સ્કીમમાં બની ગયા બાદ ફરીથી અહીં રહેવા આવી શકાશે તેવું સમજાવતાં અસરગ્રસ્તો શિફ્ટિંગ માટે તૈયાર થઇ ગયા છે.

ત્યારે ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંગળવારે 22 પરિવારનું ભેસ્તાન ગોલ્ડન આવાસમાં સ્થળાંતર કરાયા બાદ બુધવારે વધુ 51 અસરગ્રસ્તને ભેસ્તાન ગોલ્ડન આવાસમાં સ્થળાંતર કરાયા છે. આગામી દિવસમાં શિફ્ટિંગની કામગીરી ચાલુ રહેશે. જો કે, મનપા દ્વારા અહીં ગટર અને પાણી કનેક્શન કાપી નંખાયાં હોવા છતાં ઘણા પરિવારો હજુ અહીંથી જવા માંગતા નથી અને પાછળ ડો.આંબેડકર વસાહતનાં પાણી કનેક્શનમાંથી પાણી મેળવતા હોવાનું મનપાને ધ્યાને આવતાં ઉધના ઝોનના કર્મચારીઓ આંબેડકર વસાહતમાં નળ કનેક્શન કાપવા ગયા હતા પરંતુ ભારે હોબાળો થયો હતો. દરમિયાન હજુ પણ અહીંથી પાણી આપવાનું ચાલુ રખાશે તો ગુરુવારે કનેક્શન કાપી નંખાશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Most Popular

To Top