સુરત: (Surat) સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ (Metro Rail) માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇ પુલ સુધીના 10 કિ.મી.ના રૂટ (અંડરગ્રાઉન્ડ 6 કિ.મી. સહિત) માટે ટેન્ડરો મંજૂર થઇ ચૂક્યા છે. તેમજ છેલ્લાં 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે આ સુરતવાસીઓના ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે. 18મી જાન્યુ.એ ડ્રીમ સિટી ખાતે વડાપ્રધાન મોદી દ્વારા મેટ્રો રેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ડ્રીમ સિટી ખાતે તેમજ લાભેશ્વર ચોક પાસે મેટ્રોની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં હવે મેટ્રોની કામગીરી જાણે ઝડપ પકડી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં કામગીરી ઝડપ પકડી રહી છે. જેમાં હવે ભાગળથી રેલવે સ્ટેશનના (Railway Station) રૂટ સિનેમા રોડ પર પણ મેટ્રો માટે બેરિકેડ લાગી ચૂક્યા છે. જ્યાં ચોકથી રેલવે સ્ટેશનના અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે જે.કુમાર ઈન્ફ્રા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે જીઓ ટેકનીકલ સર્વેની કામગીરી ચાલી રહી છે. જે માટે જે.કુમાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે પુર્ણ થતા જ ડિઝાઈન પર પણ લીલી ઝંડી મુકી દેવાશે.
કોરોનાના કારણે 10 માસથી બંધ પાલ એક્વેરીયમ જનતા માટે ખુલ્લુ મુકાયું
સુરત: શહેરમાં 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેના પગલે દેશભરમાં 24 માર્ચથી જ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. લોકડાઉન લાગુ થતા જ શહેરમાં પણ સુરત મનપા દ્વારા આનંદ-પ્રમોદના તમામ પ્રકલ્પો જાહેર જનતા માટે બંધ કરી દેવાયા હતા. પરંતુ ત્યારબાદ અનલોક લાગુ થયા બાદ પણ પ્રકલ્પો ખુલ્લા મુકાયા ન હતા. જે હવે તબક્કાવાર ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. મનપા સંચાલિત બાગ-બગીચાઓ પણ તબક્કાવાર ખુલ્લા મુકાયા છે સાથે જ નેચરપાર્ક, ગોપીતળાવ વગેરે પણ ખુલ્લા મુકી દેવાયા છે. અને હવે છેલ્લા 10 માસથી બંધ પાલ એક્વેરીયમને મનપા દ્વારા જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે. શુક્રવારથી એક્વેરીયમ ખુલ્લુ મુકી દેવાયું છે. જેમાં 2 દિવસમાં કુલ 107 મુલાકાતી આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.
મનપા દ્વારા જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી એસ.ઓ.પી ની ગાઈડલાઈન મુજબ અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરીયમ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલું છે. હાલમાં કોવિડ–19 મહામારી અંતગર્ત મુલાકાતીઓએ સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ ઓનલાઈન પધ્ધતિથી બુકીંગ કરી પ્રવેશ મેળવવાનો રહેશે.