સુરત : સુરતના (Surat) ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આશરે 12 હજાર કરોડના આ પ્રોજેક્ટના સંચાલન માટે અલથાણ ખાતે મેટ્રો ભવન બનાવવા મનપા દ્વારા 6542 ચો.મી. જગ્યા મેટ્રો રેલ કોર્પોરેશનની માંગણીને ધ્યાને રાખીને 75 કરોડ રૂપિયા જેટલી પ્રીમિયમ વસુલી ફાળવી દેવાનો ઠરાવ કરાયો હતો. તેમાંથી જીએમઆરસી દ્વારા 10 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. બાકીના 65 કરોડની રકમ જમા કરાવી ન હતી. મનપા દ્વારા આ મુદ્દે જીએમઆરસી સાથે વાટાઘાટો કારાતા જીએમઆરસીએ હવે મેટ્રો રેલ કોર્પોરેશનને અલથાણની જગ્યાની જરૂર નથી તેવું સ્પષ્ટ કહી દીધુ હોય, તેથી હવે આ ફાળવણી રદ કરી મેટ્રોને 10 કરોડ પરત કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.
- મનપાએ આ જગ્યાના બદલામાં નિયત કરેલી 65.23 કરોડની રકમ મેટ્રોએ જમા કરાવી નથી
- હવે લેખિતમાં આ જગ્યાની જરૂર નહીં હોવાની જાણ કરી દેવાઇ
- મેટ્રો રેલ કોર્પોરેશને મનપાને આપેલા 10.80 કરોડ પરત કરવા પડશે
મનપાએ મેટ્રો ભવન બનાવવા માટે અલથાણ ટી.પી. 37માં એફ.પી. 131થી નોંધાયેલ 6542 ચોરસ મીટર જમીન જીએમઆરસીને 14 હજાર રૂપિયા પ્રતિ ચોરસ મીટર મુજબ વસુલ કરીને ફાળવવા ઠરાવ કર્યો હતો. જેમાંથી 9.15 કરોડ રૂપિયા તથા 20 વર્ષના ટોકન ભાડા પેટે 1.30 લાખ રૂપિયા મેટ્રો દ્વારા જમા કરાવવામાં આવ્યા હતા. દરમિયાન મનપા દ્વારા જીએમઆરસીને આ જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા માટે અને બાકી નીકળતી 65.23 કરોડ રૂપિયાની ચુકવણી અંગે પત્ર લખાયો હતો. જોકે મેટ્રોએ આ જગ્યાની જરૂર નથી તેવો અભિપ્રાય આપી દીધો છે. તેથી આ ફાળવણી રદ્દ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એરપોર્ટ ઓથોરિટીએ સ્વીકાર્યું, એરપોર્ટના પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ ડિસેમ્બર-2022માં પૂર્ણ નહીં થાય
સુરત: જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિત 353 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતા. આ કામો સાડા ત્રણ વર્ષે પણ પૂર્ણ નહીં થતાં પીએમઓના આદેશથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનને નિરીક્ષણ માટે તાજેતરમાં સુરત મોકલ્યા હતા. એ વખતે સ્થાનિક તંત્રએ 31 ડિસેમ્બર-2022 સુધીમાં પેરેલલ ટેક્સિ ટ્રેક સહિતનાં કામો પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપી હતી. જો કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પબ્લિક ગ્રીવન્સ સેલને થયેલી ફરિયાદના ઉત્તરમાં સેલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે માહિતી આપી હતી કે, સુરત એરપોર્ટ પર હાલ પેરેલલ ટેક્સી ટ્રેકનું ફેસ વનનું કામ ચાલી રહ્યું છે.
બીજા ફેસ સહિતનું કામ 30 ઓગસ્ટ-2023માં પૂર્ણ થશે. જો કે, 2023માં જૂન, જુલાઈ, ઓગસ્ટના મહિનામાં વરસાદની સ્થિતિ જોતાં ઓગસ્ટ-2023માં પણ કામ પૂર્ણ થાય એવી શક્યતા ઓછી છે. 2019માં વડાપ્રધાને કહ્યું હતું કે, ભાજપ સરકાર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં અને તેને જનતાને સમર્પિત કરવામાં માને છે. પણ આ પ્રોજેક્ટ ખૂબ વિલંબથી ચાલી રહ્યા છે.
સુરત એરપોર્ટનો પેરેલલ ટેક્સી ટ્રેક (PTT) અને એપ્રોન પ્રોજેક્ટ અને ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ પ્રોજેક્ટ સુરતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે છે.
સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) કે જેનું PMO દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે તેના જવાબમાં, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ (વેસ્ટર્ન રિજન), જી પ્રબહર્ને જવાબ આપ્યો કે, PTTનું ફેસ વનનું કામ 31 ડિસેમ્બર-2022માં, જ્યારે ફેસ ટુનું કામ ઓગસ્ટ-2023માં પૂર્ણ થશે. અગાઉ PTT પ્રોજેક્ટની પૂર્ણતાની સમયમર્યાદા ડિસેમ્બર-2021 માટે નિર્ધારિત કરવામાં આવી હતી. અને કોરોનાવાયરસને કારણે વધુ મુદત આપવા છતાં, તે ડિસેમ્બર-2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના નથી. અગાઉ સ્થાનિક તંત્રએ સુરત એરપોર્ટ એડ્વાઇઝરી કમિટી કે જેના ચેરમેન સાંસદ સી.આર.પાટીલ છે તેમને પણ 31 ડિસેમ્બર સુધી ત્રણેય કામો પૂર્ણ થઈ જશે એવી ખોટી માહિતી આપી હતી.