SURAT

જેણે લાખો ચાહકોનાં મન મોહી લીધાં એવા યુવાઓનાં મનમીત “મીત પટેલ”

કે તને જાતા જોઈ પનઘટની વાટે.. મારું મન મોહી ગયું.. અવિનાશ વ્યાસની આ રચના (Composition) આમ તો છે વર્ષો જુની પણ આ રચનાના શબ્દોનો ઝણકાર જ્યારે મીતના મુખેથી (Meet) સંભળાય છે ત્યારે લાખો યુવાઓના મનમાં ઉમંગની છોળો ઉડે છે. ખરેખર મીત દ્વારા ગવાયેલા આ અનપ્લગ્ડ ગીતે (Song) મન મોહી લીધું. આમને આમજ થોડી કોઈ ગીતને 7.4 મિલિયન વ્યૂ મળી જાય છે? વાત છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય મીત પટેલની. જેમના ગીતે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. વર્ષ 2019માં મીતનું આ સૌ પહેલું ગીત યુટ્યૂબ પર મુકાયું હતું. આજે 4 વર્ષ બાદ પણ આ ગીતનો રણકાર એટલો જ મધૂરો છે. આમતો મીતના અવાજનો બેઝ ભારે છતાં તેમાં મૃદુતા અનુભવાય છે. કદાચ આજ કારણે તે લોકોનું મન મોહી લે છે. ફક્ત 3 વર્ષની ઉંમરથી ગાયકીની શરૂઆત કરનાર મીતના જીવનની 24 વર્ષની સફરની કહાણી પણ ખૂબ દિલચસ્પ છે.

આર્ટ ઓફ લિવિંગમાં ભજન ગાતાં ગાતાં જીવનને દિશા મળી ગઈ
મૂળ ભાવનગરમાં પણ વર્ષોથી સુરતના વરાછામાં રહેતા મીતના પિતા હીરા વ્યવસાય સાથે જોડાયેલા છે. માતા હાઉસ મેકર છે. માતા પિતા આર્ટ ઓફ લિવિંગમાં જતા જ્યાં નાનકડો મીત પણ જતો. અહીં 3 વર્ષની ઉંમરમાં તેમણે ભજન ગાવાનું શરૂ કર્યું. સિવિલાઈઝ મોર્ડન સ્કૂલ વરાછામાં અભ્યાસ કરતા કરતા સુર સરગમમાં ભાગ લીધો અને ત્યાં મળેલી સફળતા બાદ આત્મવિશ્વાસ પરવાન ચઢ્યો. જીવનને અસલી દિશા મળી. કોલેજ કરવાને બદલે મુંબઈ પહોંચી ગયા અને ટ્રૂસ્કૂલ ઓફ મ્યુઝીકથી સંગીતમાં બેચલર કર્યું. 2019માં બેચલર કર્યું અને તરતજ મારું મન.. ગીત રિલીઝ પણ કરી દીધું. સુરતના એસજીઆર ફીયેટ ગ્રૂપ દ્વારા મીતનું આ ગીત કંપોઝ કરવામાં આવ્યું હતું. તેઓ ગાયક અરિજીત સિંહથી પ્રભાવિત છે

મારુ મન મોહી ગયું.. નવી પીઢીને ગમે તેવું લવ સોંગ છે
રિક્રિએટ કરવા માટે આજ ગીત કેમ પસંદ કર્યું? તેના જવાબમાં મીત કહે છે કે મને એવું ફોક સોંગ જોઈતું હતું જેમાં ગરબાનો ટચ હોય સાથે લવ ઇફેક્ટ હોય. આ ગીત લવ સ્ટોરી ટાઈપ છે. આ ગીતની રિધમ નવી પીઢીને ગમી જાય તેવી છે. મીતના આ ગીતના વીડિયોમાં રાજકોટ અને અમદાવાદની મોડેલ્સે કામ કર્યું છે. કાજલ ગુપ્તાણી જે મિસ ગુજરાત રહી ચુક્યા છે તેઓ મીત સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

નવા અને જૂના ગીતોમાં ટોનાલિટીનો ફરક
મારું મન મોહી ગયું.. તે એક જુનું ગીત છે જેને મીતે નવા અંદાજમાં રજૂ કર્યું છે. જૂના સોંગના રિક્રિએશન પાછળનું કારણ જણાવતા મીત કહે છે કે નવા અને જૂના ગીતોમાં ટોનાલિટીનો ફરક હોય છે. નવા ઇન્સ્ટ્રૂમેન્ટની સાઉન્ડ ક્વોલિટી જૂના ગીતો કરતા ઘણી સારી હોય છે. મીતને અનપ્લગ્ડ સિંગિંગમાં વધુ દિલચસ્પી છે. તેમનું કહેવું છે કે ઓછા મ્યૂઝીકલ ઇન્સ્ટ્રૂમેન્ટ સાથે કલાકારનો અસલી અવાજ વધુ નિખરીને બહાર આવે છે. મીત ગાયકી સાથે ગિટાર અને પિયાનો પણ વગાડે છે.

ટિકટોક અને ઇન્ટાગ્રામના રિલ્સને કારણે ગીતને બુસ્ટ મળ્યું
મારું મન મોહી ગયું.. મીતે ગાયેલા આ ગીત પર વર્ષ 2019માં ટિકટોક પર 85000 રિલ્સ જેટલા રિલ્સ બન્યા. આ એજ ટર્નિંગ પોઇન્ટ હતો જેનાથી મીતના ગીતને બુસ્ટ મળ્યું. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર તેમનાં આ ગીતની રિલ્સે ધૂમ મચાવી. અત્યારે મીતના ગીત પર દોઢ લાખ રિલ્સ બની છે. આ ગીતને મળેલી પ્રસિદ્દી બાદ ફેસબુક પર તેમના 19000 ફોલોઅર્સ છે અને 33000 હજાર સબસ્ક્રાઈબર્સ છે.

જ્યારે તમારું ગીત જોનાર તમને ન ઓળખે ત્યારે દુ:ખ થાય છે
ખૂબજ નિખાલસ ભાવે મીત આ વાતને કહે છે કે જ્યારે હું કોઈ ટ્રાવેલિંગમાં હોઉં અને મારી બાજુમાં બેઠેલો વ્યક્તિ મારા જ ગાયેલા ગીત પર બનેલી રિલ્સ જોઈને તેની પ્રશંસા કરે છે પરંતુ તે મને ઓળખતો નથી ત્યારે ખૂબજ દુખ થાય છે. ગુજરાતી લોકોએ એ જાણવામાં રસ નથી કે આ ગીત કોણે ક્રિએટ કર્યું તેઓ ફક્ત પ્રોડક્શન જુએ છે. આર્ટીસ્ટ સાથે તેમને લગાવ નથી હોતો.

કલાકારોની પર્સનલ લાઈફ ગોસીપ તેમને વધુ પ્રસિદ્ધી અપાવે છે
હિન્દી ફિલ્મોના કલાકારોની સરખામણીમાં ગુજરાતી કલાકારોને શા માટે વધુ પ્રસિદ્ધી નથી મળતી? તેના જવાબમાં મીત કહે છે કે લોકોને હમેશા ચટપટી મસાલેદાર માહિતીમાં રસ હોય છે. બોલીવુડ કલાકારો તેઓના લવ અફેર, મેરેજ, બ્રેકઅપ જેવી વાતોને કારણે હમેશા લાઈમલાઈટમાં રહે છે. ગુજરાતી કલાકારો પોતાની પર્સનલ લાઈફને જાહેર કરવા માંગતા નથી.

યહીં હો ના તુમ.. ડિસેમ્બરમાં રિલીઝ થશે
ગુજરાતી ગીતો પછી હવે મીતનું હિન્દી સોંગ યહીં હો ના તુમ.. રિલીઝ થશે જેની શબ્દ રચના મીતે જાતે રચી છે. મારું મન.. સિવાય તેમના સોનાનો બાજટીયો.. સાયબો અને હંગામા કંપોઝીશન પણ ધૂમ મચાવી રહ્યાં છે. ગાના ડોટકોમ, હંગામા જેવા દરેક મોટા મ્યૂઝીક પ્લેટફોર્મ પર મીતના ગીતોને સ્થાન મળ્યું છે.

મીતનો લોકોને સંદેશ- Failer is always an Option
મીતનું કહેવું છે કે નિષ્ફળતા ક્યારેય કાયમી નથી હોતી. હમેશા તેને એક વિકલ્પ તરીકે જોવું જોઈએ. મીત પોતાના જીવન સાથે જોડાયેલ ઉદાહરણ આપી કહે છે કે, સંગીતની શરૂઆતના સફરમાં મેં સતત નિષ્ફળતાઓ જોઈ અને આ જ નિષ્ફળતાઓ મને મારા જીવનના અસલી ઉદ્દેશ્ય સુધી લઈ ગઈ.

Most Popular

To Top