સુરત: (Surat) એક બાજુ દેશ અને રાજ્યમાં કોરોનાના અજગરી ભરડામાં લપેટાઇ ચુકેલી પ્રજા સામે સરકાર અને શાસકોની કામગીરી એકદમ નધરોળ સાબિત થઇ રહી છે. અને ટપોટપ આત્મજન ગુમાવી રહેલી પ્રજામાં પ્રશાસન સામે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે એક સમયે ખોબે ખોબે મતો આપીને ભાજપને શાસનમાં લાવનારી પ્રજાની નારાજગી હવે સોશિયલ મીડિયામાં (Social Media) ઉભરાવા માંડી છે. જેનો પરચો રવિવારે મેયરે (Mayor) મુકેલી પોસ્ટથી મળ્યો હતો.
લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું..
- મોદીની ‘મન કી બાત’ કારમાં બેસીને સાંભળતા મેયરે ફોટો સોશિયલ મીડિયામાં મુકતા ટ્રોલ થયા
- પોસ્ટમાં લોકોએ પ્રશાસન પ્રત્યે રોષ વ્યકત કરી કોમેન્ટ લખી
- કોઇએ લખ્યું ‘સારૂ છે હવે ભગવાન તમને તમારા મનની વાત સાંભળતા શીખવે’
- એક યુર્ઝસે લખ્યું કે ‘મન કી બાત મુકીને હવે કામની વાત કરો તો સારૂ’
- ‘મેયરશ્રી સિવિલ હોસ્પિટલની લાઇનમાં ઉભા રહેલા લોકોની વાત પણ સાંભળો’
રવિવારે મેયર હેમાલી બોઘાવાલાએ મોદીનો ‘મન કી બાત’ (Mann Ki Baat) કાયક્રમ ગાડીમાં બેસીને મોબાઇલમાં જોતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. તેના જવાબમાં જે પોસ્ટ આવી તે મોટા ભાગની પોસ્ટમાં લોકોનો ગુસ્સો અને પ્રશાસન પ્રત્યેનો રોષ વ્યકત થતો હતો. કોઇએ એવી કોમેન્ટ લખી હતી કે, ‘મેયરશ્રી સિવિલ હોસ્પિટલની લાઇનમાં ઉભા રહેલા લોકોની વાત પણ સાંભળો’ તો કોઇએ એવુ લખ્યુ છે કે ‘સારૂ છે હવે ભગવાન તમને તમારા મનની વાત સાંભળતા શીખવે’ એક યુર્ઝસે એવુ પણ લખ્યું છે કે ‘મન કી બાત મુકીને હવે કામની વાત કરો તો સારૂ’ આ સહીતની અનેક ટીપ્પણીઓથી મેયર ટ્રોલ થયા હતા. જે પ્રજાનો રોષ દર્શાવે છે.