સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા બુધવારે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જાણી શકાય તે માટે ઓનલાઇન માહિતી પત્રક લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન માહિતી પત્રકમાં તમારા ઘરથી નજીકની હોસ્પિટલમાં (Hospital) કેટલા બેડ (Bed) ખાલી છે તેની માહિતી હોસ્પિટલની કોન્ટેક્ટ ડિટેલ સાથે સામેલ કરવામાં આવી છે. તેમજ આ બેડ અવેલેબીલીટી ફીચરને દર કલાકે અપડેટ કરવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોને બેડ ક્યા ખાલી છે તેની જાણકારી આસાનીથી મળી રહેશે.
શહેરમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક જ મહિનામાં 20 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. અને બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. હોસ્પિટલો લગભગ ફુલ થઈ રહી છે. શહેરીજનોને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે કે કઈ હોસ્પિટલમાં તેમના સ્વજનોને દાખલ કરવા તે માટે તેઓને આમથી તેમ ફાંફા મારવા પડતા હતા. પરંતુ આખરે મનપાને લોકોની પરેશાનીનું ભાન થયું હોય તેમ કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની તમામ જાણકારી ઓનલાઈન મુકવામાં આવી છે. મનપાની વેબસાઈટ પર અને એસએમસી એપ્લીકેશન પર બેડ અવેલેબીલીટી ફીચર ઓન કરાયું છે. જેમાં તમામ શહેરીજનો તેમના ઘરથી નજીકમાં એટલે કે, તેઓના ઝોનમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી ઓનલાઈન મેળવી શકશે. શહેરીજનો હવે http://office.suratsmartcity.com/SuratCOVID19/Home/COVID19BedAvailabilitydetails લીંક પરથી આસાનીથી માહિતી મેળવી શકશે. તેમજ આ બેડ અવેલેબીલીટી ફીચરને દર કલાકે અપડેટ કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓ સાથે મીટીંગ લઈ તાત્કાલિક આ સુવિધા ઓનલાઈન કરાવવા સુચના આપી હતીઃ મેયર
મેયર હેમાલી બોઘાવાલએ જણાવ્યું હતું કે, કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે જાણવા માટે શહેરીજનોને ઘણી મુશ્કેલી પડતી હતી. જે અંગે ઘણી ફરીયાદો પણ મળી રહી હતી. અગાઉ જ્યારે મનપાએ જે ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યા હતા તે તેમજ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં બેડની અવેલેબીલીટીની જાણકારી ઓનલાઈન મુકાતી હતી. પરંતુ સંક્રમણ ઘટતા, આ ફીચર હટાવી લેવાયું હતું. પરંતુ હવે ફરીવાર સંક્રમણ વધતા, ખાનગી હોસ્પિટલોમાં મનપાએ પણ બેડ રીઝર્વ રાખ્યા છે. તેમજ અન્ય તમામ હોસ્પિટલોની જાણકારી પણ લોકો મેળવી શકે તે માટે તાત્કાલિક અસરથી આ જાણકારી ઓનલાઈન કરવા માટે સુચના આપી હતી. અને આજથી આ ઓનલાઈન પત્રક શરૂ કરી દેવાયું છે.