સુરત: સુરત મનપા(SMC)ની વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક માટે મળેલી સામાન્ય સભામાં મેયરે (MAYOR) ચુંટાયેલા તમામ નગરસેવકોને આહવાન કર્યું હતું કે, વેક્સિનેશન (VACCINATION) માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ ઝુંબેશ ચલાવે. વધુમાં મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, હાલમાં કોવિડ(COVID-19)ના કેસો વધી રહ્યા છે. જેથી સાવચેતી રાખવાની જરૂર છે.
ચુંટાયેલા નગરસેવકોએ શક્ય હોય તેટલા વધુ લોકોને વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડે. લોકોનાં ઘર ઘર (DOOR TO DOOR) સુધી જઈ અભિયાન ચલાવો અને વેક્સિનેશન માટે પૂરતી માહિતી આપે અને વેક્સિનેશનની કામગીરીમાં પૂરતી મદદ કરો. જરૂર જણાય ત્યાં અધિકારીઓને સાથે રાખી યોગ્ય કામગીરી કરો. જેથી આગામી સમયમાં કોરોનાની મહામારીમાંથી ઝડપથી બહાર આવી શકીએ. તમામ નગરસેવકોને વેક્સિનેશન માટે શક્ય હોય તેટલી વધુ કામગીરી કરવા માટે મેયરે જણાવ્યું હતું.
ટેસ્ટિંગમાં પોઝિટિવ રેશિયો વધ્યો, સાવચેતી જ કોરોનાથી બચાવી શકે : મનપા કમિશનરે સભાગૃહમાં સભ્યોને ચિતાર આપ્યો
નવા નગરસેવકો સાથે મેયર પદેથી મળેલી પહેલી સામાન્ય સભામાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ કોરોના પોઝિટિવનો રેશિયો ખૂબ વધ્યો છે. અત્યાર સુધી આરટીપીસીઆરમાં 100માંથી માંડ 10-15 પોઝિટિવ કેસ આવતા હતા. જેની સામે હાલમાં 27થી 28 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ સિવાય રેપિડ ટેસ્ટ(RAPID TEST)માં પણ પોઝિટિવિટી રેશિયો વધ્યો છે. જેથી દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં અઠવા ઝોન રેડ ઝોન બની ગયો છે. અઠવા, સિટીલાઇટ, વેસુ વિસ્તારમાં તથા અડાજણ અને લિંબાયતમાં કેસોનું પ્રમાણ વધ્યું છે. બહારથી આવતા લોકોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધુ છે. જેથી લોકોએ શક્ય હોય તેટલું ઝડપી વેક્સિનેશનની કરાવે.
આ ઉપરાંત કોરોનામાં ફંગલ ડેવલપ થાય છે. જો લોકો ધ્યાન નહીં રાખે તો લંગ્સ ખરાબ થવાની સાથે બીજા પણ ઘણા ઓર્ગન ફેલ્યરના ભય રહેલા છે. મનપા કમિશનરે નગરજનોને અપીલ કરી હતી કે, રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં તમામ વેક્સિનેશન સેન્ટરો ચાલુ હોય છે. જેથી લોકો રાત્રે 9 વાગ્યા સુધીમાં ગમે ત્યારે વેક્સિનેશન કરાવે.