સુરત (Surat) : આજના 21મી સદીના આધુનિક યુગમાં પણ સમાજમાં પુત્રને જન્મ નહીં આપવા માટે સ્ત્રીઓને દોષિત માનવામાં આવી રહી છે તે ખૂબ જ દુ:ખદ અને શરમજનક બાબત છે. આવી જ એક ઘટના વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સુરત શહેર ધ સ્માર્ટ સિટી સુરતમાં સામે આવે છે. અહીં એક પરિણીતાને (Married Women) તેના સાસરિયાઓએ એટલા માટે ઘરમાંથી કાઢી મુકી કે તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. સાસરીયાઓએ પરિણીતા પાસે 10 લાખની માતબર રકમનું દહેજ પણ માંગ્યું હોય હાલ પોતાના ભાઈના ઘરે આશરો લેનાર પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ (dowry) પ્રથાના કાયદા હેઠળ શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ (Police Complaint) દાખલ કરાવી છે.
જૂના કોસાડ રોડની લોટસ રેસિડેન્સીમાં ભાઈ ભરતસિંહ રાણાની સાથે રહેતા 38 વર્ષીય રેખાબા રણજીતસિંહ જાડેજાએ પોતાના પતિ રણજીતસિંહ, સાસુ હર્ષદ બા, સસરા ગજેન્દ્રસિંહ અને દિયર મલવીરસિંહ વિરુદ્ધ દહેજ વિરોધ ધારા હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. રેખાબાએ પોતાની કેફિયત પોલીસને જણાવતા કહ્યું કે, તેના લગ્ન કચ્છના ઘલુડી ખાતે રણજીતસિંહ સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન મારે સંતાનમાં બે દીકરીઓ જૈનીબા (ઉં.વ. 12) તથા માહીબા (ઉં.વ. 10) છે. નાની દીકરી માહીબાના જન્મના પાંચેક વર્ષ બાદ 2018થી પતિ તથા સાસુ-સસરા મહેણાંટોણાં મારવા લાગ્યા હતા. ”તું ફુટેલા નસીબની છે એટલે તારે દીકરો થતો નથી”. હું ટોણાં સહન કરતી હતી પરંતુ પતિને અન્ય્ સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થતાં તેની મેં પૂછપરછ કરી ત્યારે પતિએ ઉશ્કેરાઈ જઈ ગંદી ગાળો આપી માર માર્યો હતો. તને પુત્ર થતો નથી એટલે હું તને ઘરે રાખીશ નહીં. ત્યાર બાદ સાસુ-સસરા અને દીયરે પણ માર માર્યો હતો. દીયરે કહ્યું કે, તું કરીયાવરમાં કઈ લાવી નથી, તારે દીકરો પણ નથી તેથી હવે ઘરમાં રહેવું હોય તો પિયરથી 10 લાખ રૂપિયા લઈ આવ. નહીં તો તને જાનથી મારી નાંખીશું. એમ કહી મને કાઢી મુકી હતી. મારી બંને દીકરીઓને પણ કાઠી મુકી હતી. તેથી મારા ભાઈ જીતેન્દ્રસિંહને જાણ કરી હું તેની સાથે કચ્છથી સુરત આવી ગઈ હતી.
અમરોલી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. પરિણીતાના સાસરીયા કચ્છના લખપત તાલુકાના ઘલુડી ગામના છે, તેથી ઘલુડી પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પરિણીતા પાસે દહેજ માંગવું, જાનથી મારી નાંખવાની ધમકી જેવા ગંભીર ગુનો પોલીસે દાખલ કરી છે.