બારડોલી: એક બંગલો અને કાર લઈ આપ એમ કહી સુરતના (Surat) સાસરિયાંએ પરિણીતાને (Married) શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ બારડોલી (Bardoli) ટાઉન પોલીસમથકમાં (Police) પતિ સહિત ચાર સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે બારડોલી ટાઉન પોલીસમથકમાંથી મળતી માહિતી અનુસાર બારડોલીના આશિયાનાનગર વિસ્તારમાં આવેલી અમનપાર્ક સોસાયટીમાં રહેતા મહમદ બાબુ રાયનની પુત્રી કૈકશાનાં લગ્ન ગત તા.18/1/2022ના રોજ સુરતના ડુંભાલ ખાતે રહેતા અખ્તર મોહમદ હબીબ સાથે થયાં હતાં. સાસરીમાં કૈકશા પતિ, સાસુ સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી.
દહેજમાં એક બંગલો અને એક કારની માંગ કરી
લગ્નના એક મહિના બાદ સસરા અને સાસુએ રસોઈ બનાવવા, કપડાં ધોવા, ઘરની સાફસફાઇ સહિતનાં કામોમાં ભૂલો કાઢી મેણાંટોણાં મારવાનું શરૂ કર્યું હતું. નાની નાની બાબતે ઝઘડો કરી પતિ અખ્તર તેને મારઝૂડ કરતો હોવાનો આરોપ પણ ફરિયાદમાં કર્યો છે. દરમિયાન સાસુ સસરા અને પતિ તથા જેઠ મોહમ્મદ ખાલીકે તેણી સાથે અપશબ્દો બોલી તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી એમ કહી એક બંગલો અને એક કારની માંગ કરી હતી. પરંતુ કૈકશાએ પિતા ગરીબ હોય પિતા આ બધુ આપી શકે એમ ન હોવાનું કહેતાં સાસરિયાઓએ તેણી સાથે ગાળાગાળી કરી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. સાસુ તેના હાથમાંથી જમવાની થાળી પણ છીનવી લેતી હોવાનું ફરિયાદમાં કૈકશાએ જણાવ્યું હતું. ત્યારબાદ 26મી સપ્ટેમ્બર-2022ના રોજ પતિએ તારા બાપ પાસેથી પૈસા કેમ નથી માંગતી એમ કહી ઝઘડો કરતાં કૈકશાએ પિતાને જાણ કરી હતી.
સાસરિયાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી
આથી પિતા પરિવાર સાથે દીકરીના સાસરે જતાં ત્યાં સાસરિયાઓએ તેમની સાથે પણ બોલાચાલી કરી કાર અને બંગલોની માંગ કરી હતી. પરંતુ કૈકશાના પિતા એ અગાઉ પાંચ લાખ અને ત્યાર બાદ પચાસ હજાર રૂપિયા આપ્યા હોય હવે નહીં આપી શકાય એમ કહેતા સાસરિયાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને જો નહીં આપી શકો તો દીકરીને લઈ જાવ એમ કહી કૈકશાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારથી તેણી પોતાના પિયરમાં રહેતી હતી. આ મામલે કોઈ સમાધાન નહીં થતાં અંતે કૈકશાએ બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે પતિ અખ્તર મોહમદ હબીબ, સસરા મોહમદ હબીબ રાયન, સાસુ અસમાબેગમ મોહમદ હબીબ રાયન અને જેઠ મોહમદ ખલિક મોહમદ હબીબ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.