સુરત: ઉધનામાં (Udhna) રહેતી ત્યક્તાની સાથે શાદી ડોટ કોમ (Shadi.com) મારફતે પરિચયમાં આવેલા યુવકે પોતાની ઓળખ વકીલ (lawyer) તરીકે આપી ત્યક્તા સાથે લગ્ન (Marriage) કરવાની લાલચે બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. ઉપરાંત યુવકે ત્યક્તા પાસે મકાનમાં ઘરવખરીનો સામાન ખરીદવા માટે રૂ.2.18 લાખ પણ પડાવી લીધા હતા અને લગ્ન કર્યાં ન હતાં. આ સમગ્ર ઘટના અંગે ત્યક્તાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉધનામાં રહેતી ૩૩ વર્ષીય મહિલા છૂટાછેડા થયા બાદ પુત્ર સાથે માતા-પિતાના ઘરે રહે છે. આ ત્યક્તા બીજાં લગ્ન માટે શોધખોળ કરી રહી હતી, ત્યારે તેણીએ શાદી ડોટ કોમ નામની વેબસાઇટ ઉપર પોતાની વિગતો અપલોડ કરી હતી. આ દરમિયાન તેની મુલાકાત અરવલ્લીના ઇડરના બળવાવ રોડ ઉપર શિખર સોસાયટીમાં રહેતા રોહિત જેઠા પરમાર સાથે થઇ હતી. આ રોહિતકુમારે પોતાની ઓળખ વકીલ તરીકે આપી હતી અને ત્યક્તાને મળવા માટે સુરત આવ્યો હતો. રોહિતે ત્યક્તાને કોર્ટ મેરેજ કરવા માટે કહ્યું હતું અને સુરતથી ઇડર બોલાવી હતી. બાદ રોહિત ત્યક્તાને સૌપ્રથમ શામળાજી દર્શન કરવા માટે લઇ ગયો હતો અને ત્યાં રૂમ બુક કરાવી લગ્ન કરવાની લાલચે બળાત્કાર ગુજાર્યો હતો, લગ્ન કરવાનું કહીને રોહિતે ચારથી પાંચવાર બળાત્કાર ગુજાર્યો હતો.
શામળાજીનાં દર્શન કરી તેઓ ગાંધીનગર ખાતે આવ્યા હતા અને મકાન લઇને રહેવાનું કહી ઘરવખરીનો સામાન ખરીદવાના નામે ત્યક્તા પાસેથી રૂ.2.18 લાખ પણ પડાવી લેવાયા હતા. બાદ રોહિતે ત્યક્તા પાસેથી વધુ રૂપિયાની માંગમી કરતાં તેણીએ રૂપિયા આપવાની ના પાડી હતી. ત્યક્તાએ લગ્ન નહીં થતાં પોતાના રૂ.2.18 લાખ પરત માંગ્યા હતા. જેની સામે રોહિતે રૂપિયા આપવાની ના પાડી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ત્યક્તાએ સુરતમાં પોતાના પરિવારને જાણ કરીને ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે ઉધના પોલીસે રોહિતની સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
વરાછામાં રહેતા રત્નકલાકારની સગાઈ તોડવાનો પ્રયાસ
સુરત: વરાછા હીરાબાગ સર્કલ પાસે રહેતા 30 વર્ષિય રત્નકલાકારની સગાઇ થયાના એક અઠવાડિયા બાદ ફેસબુકના માધ્યમથી કોઇક અજાણ્યાએ રત્નકલાકારને અકિતા કુમારી નામના ફેક આઇડી ઉપરથી તેની ફિયાંસીના ચરિત્ર બાબતે મેસેજ મોકલી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રત્નકલાકારે સાયબર ક્રાઇમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસમથકે વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ગત તા.9-6-2022થી તા.20-7-2022ના સમયગાળા દરમિયાન ફેસબુક ઉપરથી કોઇક અકિતા કુમારી નામના ફેસબુક આઇડી ઉપરથી મેસેજ આવ્યા હતા. મેસેજ કરનારે રત્નકલાકાર અને તેની ફિયાંસી સાથેના ફોટા શેર કરી તેની ઉપર ચરિત્રને લગતું લખાણ કર્યું હતું. તેમજ રત્નકલાકારના ભાઇને પણ મેસેજ મોકલ્યા હતા. સગાઇ તૂટી જાય અને સમાજમાં બદનામી થાય તેવું કૃત્ય કર્યું હતું. હાલ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે આઇડીને આધારે તપાસ હાથ ધરી છે.