SURAT

સુરતના કતારગામમાં ફુડ પોઈઝનિંગ: કેટરિંગવાળો પરિવાર સાથે ગાયબ થઈ ગયો

સુરત: (Surat) કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં યોજાયેલા એક લગ્નસમારંભના (Marriage Function) જમણવારમાં ભોજન લેનારા 200થી વધુ લોકોને ફુડપોઇઝનની (Foodpoison) અસર થતા મનપાનું આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું હતું, સ્થળ પર ઓપીડી શરૂ કરીને મનપા દ્વારા દોઢસોથી વધુ લોકોને સારવાર અપાઇ હતી, તો 48 લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મનપાના ડે.કમિ. ડો. આશિષ નાયકે મોડી રાત્રે મુલાકાત લીધી હતી, સવારે સ્થાયી સમિતિ ચેરમેને પણ ડોકટર આશિષ નાયકને સાથે રાખી હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. બીજી તરફ મનપા તંત્ર દ્વારા આ જમણવારમાં રસોઈ બનાવનાર કેટરિંગ સંચાલક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, અમરોલી- છાપરા ભાઠા વિસ્તારમાં રહેતો આ કેટરિંગવાળો રસોઈયો પરિવાર સાથે ગાયબ થઈ ગયો હતો. મનપા દ્વારા કેટરિંગનું ગોડાઉન સીલ કરી દેવાયું હતું તેમજ બુધવારે પણ આ કેટરિંગ સંચાલકનો મોટા વરાછા ખાતેના સમારંભમાં જે ઓર્ડર હતો તે કેન્સલ કરાવી દેવામાં આવ્યો હતો.

મનપાના તંત્ર દ્વારા મંગળવારે રાત્રિ દરમિયાન 113 લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. જ્યારે બુધવારે વધુ ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા અસરગ્રસ્તોની સંખ્યા 49 થઇ હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સારવાર લઈ રહેલા તમામ લોકોની હાલત સુધારા પર છે કોઈ ગંભીર નથી. મનપાના આરોગ્યંત્ર દ્વારા ભોજન સમારંભ દરમિયાન લેવાયેલા ખોરાક અને મીઠાઈના સેમ્પલ લઈ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ પગલાં ભરાશે.

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ રાજેશ નામના રસોઈયા દ્વારા ચલાવાતા આરટીસી નામના કેટરિંગનો આ આ ભોજન સમારંભ હતો. ભોજનમાં પીરસાયેલી ઓરિયો શેક રબડીના કારણે ફુડ પોઈઝનિંગ થયું હોવાનું મનાઇ રહ્યું છે. કેમકે ડાયાબિટિસને કારણે જેણે પણ આ રબડી નહોતી ખાધી તેને ફુડ પોઈઝનિંગની અસર થઇ નથી. મનપા દ્વારા મોહનથાળ, સીતાફળ રબડી અને કેસર કુમકુમ નામની મીઠાઇના નમુનાઓ લઇ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા.

ફુડ પોઈઝનિંગની આ ઘટનાને પગલે મનપા દ્વારા હવેથી લગ્નપ્રસંગોમાં જઈને રેન્ડમ ચેકિંગ કરાશે
મનપાના હેલ્થના ડે.કમિ. ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, એક સાથે આટલા બધા લોકોને ફુડ પોઈઝનિંગ થયું તેવો સુરત મનપાનો એકાદ દાયકમાં આ પહેલો કિસ્સો છે. આવતીકાલથી શહેરમાં યોજનારા લગ્ન પ્રસંગમાં પાલિકા તંત્ર જઈને રેન્ડમ ચેકિંગ કરશે અને ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાની કામગીરી કરશે. તેમણે લોકોને અપીલ કરી છે કે હાલ ગરમીની સિઝન હોવાથી દૂધની બનાવટની વાનગીનો ઉપયોગ ટાળવો જોઈએ. ફુડ પોઈઝનિંગ 72 કલાક સુધી ચાલતું હોય પાલિકાએ સોસાયટી બહાર બે ટીમ ગોઠવી દીધી છે. જોકે, આજે બપોર બાદ કોઈને પણ ફુડ પોઈઝનિંગના લક્ષણો નહીં દેખાતા તંત્રને હાશકારો થયો છે.

Most Popular

To Top