સુરત: (Surat) ઉધના ઝોનમાં સમાવિષ્ટ પાંડેસરા હાઉસિંગ સ્થિત નવસર્જન શાળાના પ્લે ગ્રાઉન્ડમાં હેતુ ફેર કરીને લારી-ગલ્લા-પાથરણાવાળાઓને જગ્યા ભાડે આપી સાડીનું માર્કેટ (Market) ચાલતું હતું. આ બાબતે ઉધના ઝોન દ્વારા વારંવાર નોટીસ પાઠવાઇ હોવા છતા આ માર્કેટ ચાલુ રહયુ હોય સોમવારે ઉધના ઝોનના અધિકારીઓ ટીમ સાથે દબાણો હટાવવા પહોંચ્યા હતા. સંચાલકો અને દુકાનદાર દ્વારા કોર્પોરેશન ટીમ ઉપર હુમલો કરાયો હતો જેમાં એક માર્શલ સહીત ત્રણ લોકોની ઈજા થઇ હતી.
- પાંડેસરામાં સાડી માર્કેટ બંધ કરાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો : માર્શલ સહિત ત્રણને માર મરાયો
- ટેરેસ પરથી પથ્થરમારો થયો જો કે દબાણોની તરફેણ કરવા આવેલાઓને પણ પથ્થર વાગ્યા પોલીસ ફરિયાદ કરવા ગયેલા મનપા અધિકારીઓને પોલીસે ચાર કલાક રખડાવ્યા
- નવસર્જન સ્કુલના ગ્રાઉન્ડમાં કોર્મસીયલ એકટીવીટી કરવા બજાર ભરાતી હોવાથી પ્લે ગ્રાઉન્ડ સીલ કરાયું
જો કે મનપાન તંત્રએ કડક હાથે કામ લઇને દબાણો હટાવ્યા હતા તેમજ પ્લે ગ્રાઉન્ડમાં હેતુફેર થયો હોય સીલ મારી દેવાયું છે. અત્રે ઉલ્લખનીય છે કે, મનપાના સ્ટાફ પર હુમલા બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશને ગયેલા મનપાના અધિકારીઓને કલાકો સુધી ફરિયાદ લેવામાં આનાકાની કરાઇ હતી બાદમાં ઉધના ઝોનના ઉચ્ચ અધિકારી દ્વારા એસીપીને રજુઆત કરાયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય ઉધના પોલીસ સામે પણ શંકાની સોય તકાઇ રહી છે.
વિસ્તૃત વિગતો મુજબ પાંડેસરા હાઉસિંગ પાસે નવસર્જન સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર માર્કેટ શરૂ કરી દેવામાં આવી હતી. પહેલા નવસર્જન સ્કૂલની આસપાસ જે ફૂટપાથ ઉપર દુકાનો લાગતી હતી તેને કોર્પોરેશન દ્વારા દૂર કરાવાઈ હતી. જેને કારણે શાળાના કમ્પાઉન્ડમાં માર્કેટ શરૂ કરી દેવામાં આવી હતી. આજે તેને પણ કોર્પોરેશન દ્વારા બંધ કરાવવા જતા દુકાનદારો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મનપાના સ્ટાફની કામગીરીને અટકાવવામાટે ભાજપના એક વોર્ડ યુવાપ્રમુખ અને એક મહિલા કાર્યકરે પણ હોબાળોમ મચાવ્યો હતો. તેમજ ટેરસ પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં મનપાના માર્શલ તેમજ દબાણોની તરફેણ કરવા આવેલા ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની વોર્ડ પ્રમુખ અને ભાજપની મહિલા કાર્યકરને ઇજા થઇ હતી. દરમિયાન મનપા દ્વારા લાલઆંખ કરીને સ્કુલના ગ્રાઉન્ડને સીલ મારી દેવાયું છે.