સુરત: (Surat) સલાબતપુરા પોલીસને એવી વાતમી મળી હતી કે રિંગરોડની કેટલીક માર્કેટોમાં (Market) રાતે 8 વાગ્યા પછી પણ દુકાનો ચાલુ રાખી વેપાર થઇ રહ્યો છે. તેને પગલે આજે પોલીસે કોહિનૂર કાપડ માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા 10 વેપારીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. પોલીસે તમામ વેપારીઓ પાસેથી 1000ના લેખે 10 હજારના દંડની વસૂલાત કરી હતી. અગાઉ પણ બે વાર આ જ માર્કેટમાં પોલીસે (Police) ચેકિંગ કરી કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પેનલ્ટી વસૂલી હતી.
હાલ કોરાનાની ગાઇડલાઇન પ્રમાણે દુકાનો સાત વાગે બંધ કરવાનો આદેશ છે પરંતુ કેટલાક વેપારીઓ આઠ વાગ્યા પછી પણ દુકાનો ચાલુ રાખી વેપાર કરે છે. જ્યારે ફોસ્ટા સાથે નક્કી થયા મુજબ સવારે આઠથી રાતે સાત વાગે દુકાનો બંધ કરી દેવાની હોય છે. પરંતુ વેપારીઓ તેનો ભંગ કરી રહ્યા છે. મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇન અનુસાર ત્રીજી લહેરની શક્યતાને લીધે લોકો જે માર્કેટમાં વધુ સંખ્યમાં ભેગા થતાં તેને સમયસર બંધ કરાવવી જોઇએ.
દક્ષિણ ભારતમાં જૂન-જુલાઇમાં થતો સાડીનો 1000 કરોડનો વેપાર પણ ધોવાઇ જાય તેવી સંભાવના
સુરત: કોરોનાને લીધે કાપડ વેપારની હાલત સતત બગડી રહી છે. લગ્નસરાં અને રમજાનનો વેપાર ચોપટ થયા બાદ હવે દક્ષિણ ભારતના રાજ્યોમાં જૂન-જુલાઇમાં થતો સાડીનો 1000 કરોડનો વેપાર પણ ધોવાઇ જાય તેવી સંભાવનાએ વેપારીઓની ચિંતા વધારી છે. હાલ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને જો આગામી દિવસોમાં લોકડાઉન ખૂલી જાય તો પણ ત્યાંના વેપારીઓ પાસે લગ્નસરાં અને રમજાન સમયે ખરીદેલા માલનો ઓવર સ્ટોક હોવાથી તેઓ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.
દક્ષિણ ભારતના તમિલનાડુ, કર્ણાટક અને આંઘ્રપ્રદેશ તેમજ ઓડિશામાં જુન-જુલાઇ મહિનામા ઓછી કિંમતમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સનું સેલ લગાડવામાં આવે છે. જેમાં સાડી અને ડ્રેસ 70-80 ટકાની કિંમતે વેચવામાં આવે છે. આ સમયે મોટી સંખ્યામાં ત્યાંના લોકો ખરીદી કરવા આવે છે. એક અંદાજ મુજબ 1000 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. તે સમયે સુરતના વેપારીઓ પાસેથી ત્યાંના વેપારીઓ પણ લોટ-સોટનો માલ એટલે કે જૂનો કાપડ ઓછી કિંમતે લઇ જાય છે. પરંતુ ચાલુ વર્ષે લોકડાઉનને લીધે અન્ય રાજ્યોના વેપારીઓએ લગ્નસરાં અને રમજાનના સમયે જે માલ લીધો હતો તે વેચાયા વગર પડ્યો છે. જેને લીધે હાલ સુરતના વેપારીઓને ઓર્ડર મળી રહ્યા નથી. હવે સુરતના વેપારીઓની નજર રાખી અને ઓણમના તહેવારો પરની ખરીદી પર છે.
ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે મે મહિનાથી જ દક્ષિણ ભારતના વેપારીઓ લોટસોટની ખરીદી માટે આવવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ વર્ષે કોરોનાને લીધે પરિસ્થિતિ બદલાઇ છે. કેટલાંક રાજ્યોમા લોકડાઉન હોવાથી દુકાનો ખૂલી નથી અને વેપારીઓ પાસે પહેલાથીજ ઓવરસ્ટોક હોવાથી ત્યાંના વેપારીઓ ખરીદી નથી કરી રહ્યા. સાડીની મોસમ આ વખતે નિષ્ફળ રહેતાં સુરતના વેપારીઓને 1000 કરોડનું નુકસાન થવાની આશંકા છે.