uncategorized

સુરત: વરાછાની આ માર્કેટમાં માત્ર ત્રણ મહિના જ દુકાન ભાડે રાખી ચીટરે સાડા ત્રણ કરોડની ઠગાઇ કરી

સુરત: (Surat) વરાછાની ગ્લોબલ માર્કેટમાં (Market) ત્રણ મહિના માટે જ દુકાન ભાડે રાખીને રૂા.સાડા ત્રણ કરોડની ઠગાઇ કરનાર આરોપીને સુરતની ઇકો સેલએ ભાવનગરથી ધરપકડ કરીને કોર્ટમાં (Court) રજૂ કર્યો હતો. અન્ય આરોપીઓને પકડવાની સાથે સાથે કાપડનો માલ પણ રિકવર કરવાનો બાકી હોવાના કારણો રજૂ કરીને આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ વરાછાની ગ્લોબલ માર્કેટમાં એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઇઝ નામની વેપાર કરનાર વેપારી વેપારીઓ અજીમ રફીક પેનવાલા, દિક્ષીત બાબુભાઇ મીયાણી, જનક દિપકભાઈ છાટબાર, દામજીભાઇ માંગુકીયા, મહાવીર પ્રસાદ સીતારામ તાપડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રકાશચંન્દ્ર પરોહીત ઉપરાંત સ્મીત ચંદ્રકેતુ છાટબાર, અનસ ઇકબાલ મોતીયાણી, રવિ જેઠુભા ગોહિલ, અશ્વિન જેઠુભા ગોહિલની સામે ગત તા. 14-05-2022ના રોજ રૂા. સાડા ત્રણ કરોડની ઠગાઇનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ અજીમ, દિક્ષીત, જનક, દામજી તેમજ મહાવીરપ્રસાદ અને જીતેન્દ્ર ઉર્ફે જીતુને પકડી પાડ્યા હતા. ત્યાં ઇકો સેલ દ્વારા ભાવનગરથી રવિ ગોહિલ ઉર્ફે રવિરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઠગાઇ થયા બાદ આ રવિ દુબઇ ભાગી ગયો હતો અને ત્યાં અલઅવીર શાક માર્કેટમાં વેપાર શરૂ કરી દીધો હતો.

ગત તા. 15મી ઓગષ્ટના રોજ તે સુરત આવતાની સાથે જ પોલીસે વોચ ગોઠવીને તેની ધરપકડ કરી હતી. પોલીસે રવિને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ મેહુલ દેસાઇએ દલીલો કરીને આરોપીના વધુમાં વધુ રિમાન્ડ આપવા માટે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી રવિના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે રવિ તેમજ બીજા આરોપીઓએ માત્ર ત્રણ મહિના માટે જ દુકાન ભાડે રાખીને સાડા ત્રણ કરોડનો માલ ઉધારીમાં ખરીદ કરીને સસ્તામાં વેચી દીધો હતો. તેમજ કેટલોક માલ પોતાના ગોડાઉનમાં પણ સંતાડી દીધો હતો. હાલ તો આ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

રિમાન્ડના મુદ્દાઓ

  • અનસ મોતીયાણી અને સ્મીત છાટબાર, અશ્વિન ગોહિલ તેમજ હાલમાં પકડાયેલા અજીમ પેનવાલા, દિક્ષીત મીયાણીએ રૂા4 .24 કરોડનો માલ ખરીદી બજારમાં સસ્તા ભાવે વેચી દીધો હતો. તેઓએ માલ ગોડાઉનમાં સંતાડી રાખ્યો છે, તે માલ રીકવર કરવાનો બાકી છે.
  • ટેમ્પો ડ્રાઇવરોની પુછપરછ કરી તેઓની કોઇ ભૂમિકા છે કે નહી..? તેની તપાસ કરવાની છે.
  • ત્રણ મહિનામાં માટે જ દુકાનો ભાડે રાખીને કરોડો રૂપિયાની ઠગાઇ કરી છે.
  • આરોપીઓ પૈકી અનસ ઇકબાલ મોતીયાણી હાલમાં દુબઇમાં હતો, જ્યારે હાલનો આરોપી પણ દુબઇ જઇને આવ્યો હતો તે અંગે પુછપરછ કરવાની બાકી છે.
  • રવિરાજ ઉર્ફે રવિ ગોહિલ અને અશ્વિન ગોહિલ બંને સગા ભાઇઓ છે તેમજ રવિએ સુરત આવ્યા બાદ અનસ મોતીયાણીને 30 હજાર ગુગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતો લેવાની છે.
  • મોટાભાગનો માલ મેહુલ અનધડ તેમજ જીતુ પુરોહિત મારફતે વેચ્યો છે જે બાબતે મેહુલ અનધડની સાથે આરોપીનું ક્રોસ વેરીફિકેશન કરવાનું છે.

Most Popular

To Top