SURAT

VIDEO: આ મહિલાઓનો એટલો જ વાંક છે કે તેઓ ગરીબ છે!, સુરત મનપાની કર્મચારીએ લાકડીથી ફટકારી

સુરત: ગરીબીથી મોટો ગુનો દુનિયામાં બીજો કોઈ જ નથી. ગરીબ માણસ પેટ ભરવા માટે ધંધો પણ કરી શકતો નથી. સુરતમાં રસ્તા પર ઉભી રહેલી ફ્રુટનું વેચાણ કરતી ગરીબ મહિલાઓને આજે મનપાની મહિલા કર્મચારીએ બેરહેમીપૂર્વક લાકડીએ લાકડીએ માર માર્યો હતો. આ મારપીટમાં એક ગરીબ મહિલાનું માથું ફૂટી ગયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

શહેરના સ્માર્ટ સિટી બનાવવાની હોડમાં સુરત મનપા તંત્ર દ્વારા છેલ્લાં કેટલાંક દિવસથી 0 રૂટ દબાણ નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ પોલિસી હેઠળ રસ્તાના કિનારા પર, ફૂટપાથ પર લારીઓ મુકી ખાણીપીણી, શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોકર્સને દૂર ખસેડવામાં આવી રહ્યાં છે. ઝીરો દબાણ નીતિનો અમલ બરોબર થાય તે માટે સુરત મનપાએ પેટ્રોલિંગ ટીમ પણ બનાવી છે, જે રસ્તા પર સતત દોડતી રહે છે અને જ્યાં પણ લારી-ગલ્લાંનું દબાણ દેખાય તેને દૂર ખસેડે છે.

આજે સવારે શહેરના અડાજણ વિસ્તારમાં રસ્તાના કોર્નર પર લારીઓ મુકી ફ્રુટનું વેચાણ કરતા હોકર્સને ખસેડવાની કામગીરી મનપાની દબાણ ખાતાની ટીમે હાથ ધર્યું હતું. ત્યારે ફ્રુટ વેચતી ગરીબ મહિલાઓ અને પાલિકાની દબાણ ખાતાની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફ્રુટ વેચતી મહિલાઓ ખસવા તૈયાર નહોતી, તેથી દબાણ ખાતાની ટીમે તેમની લારીઓ ટેમ્પોમાં ચઢાવી જપ્ત કરી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

લારીઓ ઊંચકાઈ જતા મહિલાઓ લારી સાથે ટેમ્પોમાં ચઢી ગઈ હતી. ત્યારે પાલિકાની મહિલા કર્મચારીએ તે મહિલાઓને ટેમ્પોમાંથી નીચે ઉતારવા લાકડી ફટકારી હતી. મહિલાઓને લાકડીથી માર માર્યો હતો. આ મારપીટમાં પાલિકાની કર્મચારીની લાકડીનો ઘા માથા પર વાગતા એક મહિલાને લોહી નીકળવા માંડ્યું હતું. સામા પક્ષે મહિલાઓએ પણ પાલિકાની કર્મચારી પર હુમલો કર્યો હતો. તે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાલિકાની મહિલા કર્મચારી અને ગરીબ મહિલાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ રહી છે. પાલિકાની કર્મચારી લાકડીથી મહિલાઓને મારી રહી છે. એક મહિલાને લોહી નીકળી રહ્યું છે. તો એક મહિલા અર્ધ બેભાન અવસ્થામાં પહોંચી ગઈ છે.

Most Popular

To Top