સુરત : સુરત માંગરોળની નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના મોટા બોરસરા ગામે ગેસ લીકેજ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. કંપનીમાં કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હોવા બાદ ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયા હોવાનું હાલ સામે આવ્યું છે. આ દુર્ઘટના બાદ કામદારોના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ બાદ સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઇ હોવાનું કહેવાય રહ્યું છે. એટલું જ નહીં પણ હોસ્પિટલ માં લોકોની ભીડ ભેગી થઈ જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હોવાનું કહેવાય રહ્યું છે.
સ્થાનિકો એ જણાવ્યું હતું કે કીમ નજીકની મોટા બોરસરા જી આઈ ડી સી માં ઘટના બની હતી. નીલમ ઇન્ડસ્ટ્રી નામના કેમિકલ કારખાનામાં 4 કામદારોના મોત થયાની વાત બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. કેમિકલ ભરેલુ ડ્રમ ફાટી જતા દુર્ઘટના ગેસ ગૂંગળામણ થયું હોવાથી કામદારોના મોતની વાત સામે આવી રહી છે. મૃતકો પૈકીના 2 અંકલેશ્વરના, કાપોદ્રાના દીવા ગામનો તથા એક રાજસ્થાની હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.