સુરત: (Suraat) ક્લાઈમેટ ચેન્જને લીધે સતત આખું વર્ષ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની માર પડતાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો (Mango) 60 ટકા જેટલો પાક બગડી ગયા પછી સુરત એપીએમસીમાં સિઝનની પ્રથમ કેરીના 20 કિલોના ભાવ ઓછા પાકને લીધે ખૂબ વધીને આવ્યા હતા. હવે સિઝનના ત્રીજા ફાળની કેરીનું આગમન કેરીની જુદી જુદી વેરાયટીઓ સાથે થતાં ભાવો ઘટ્યા છે. પણ આ માલ ખૂબ ઓછો સમય જ રહેશે. કારણ કે, મોટી માત્રામાં માલ એક્સપોર્ટ (Export) કરી દેવામાં આવ્યો છે. એટલે કે, મણના ભાવ બમણા થઈ ગયા છે.
મહારાષ્ટ્રની રત્નાગિરિ કેસર કેરીનો ભાવ ગયા વર્ષે 20 કિલોના 4000 રૂપિયા હતા. એના હવે 1500થી 1600, વલસાડી આફૂસનો ભાવ 3000થી ઘટી 1600થી 1800 રૂપિયા ચાલી રહ્યો છે. લંગડો કેરીનો ભાવ 1400થી 1600 રૂપિયા 20 કિલોનો ચાલી રહ્યો છે. રાજપુરીનો ભાવ 1400થી 1600 હતો. એ હવે 800થી 1200 થયો છે. તોતાપુરીનો ભાવ 1000 રૂપિયાથી ઘટી 500થી 700 થયો છે. ગીર-તાલાલાની કેસર પ્રથમ ફાલમાં કાર્બનયુક્ત આવી હતી. બીજા ફાલમાં 50 ટકા માલ ખરાબ નીકળ્યો હતો. અને હવે વરસાદ પહેલાંની ત્રીજા ફાલની કેસર ચાલી રહી છે. ધરમપુરની કેસર કેરીનો ભાવ 2800નો 1800 રૂપિયા અને રાજપુરીનો ભાવ 2000થી ઘટી 1400 રૂપિયા થયો છે. સુરત જિલ્લામાં જંબો કેસરનો પાક થતો, એ પણ હવે ખૂબ ઓછી દેખાય છે.
- દક્ષિણ ગુજરાતમાં આ કારણોસર કેરીનો પાક 60થી 70 ટકા ઓછો ઊતર્યો
- ચોમાસાની સિઝન પૂરી થયા પછી સતત માવઠાનો માહોલ રહ્યો
- ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં સવારના સમયે સતત ધુમ્મસછાયા વાતાવરણને લીધે ફ્લાવરિંગ કાળા પડી ખરી પડ્યા
- સતત બદલાતાં હવામાનની આંબા પર ખૂબ ખરાબ અસર પડી
- તાઉતે વાવાઝોડાને લીધે પણ દક્ષિણ ગુજરાતની અને સૌરાષ્ટ્રની આંબાવાડીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું
સુરત એપીએમસીના (Surat APMC) ડિરેક્ટર બાબુ શેખ કહે છે કે, દક્ષિણ ગુજરાતમાં જ્યાં કેરી થાય છે તે વિસ્તારોમાં 34થી 36 ડિગ્રી તાપમાન રહેતું હતું. ત્યાં આ વર્ષે રમઝાન માસ દરમિયાન 41થી 42 ડિગ્રી તાપમાન કેટલાક દિવસ રહ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની અસર દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક પર વ્યાપક થઈ છે. જ્યાં સૂકી જમીનમાં માત્ર વરસાદી પાણીથી કેરીનો મબલક પાક થતો હતો, ત્યાં હવે માલ વધુ ઉતારવા દવા-સ્પ્રેનો છંટકાવ થઈ રહ્યો છે. કેનાલથી પાણી પાવામાં કેરીનો મીઠો સ્વાદ ઘટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેરીની વાડીઓ અંકલેશ્વરથી સુરત, નવસારી, અમલસાડ, વલસાડ, વાપી, ઉમરગામ સુધી આવેલી છે. ચાલુ વર્ષે ખરાબ હવામાન અને માવઠાને લીધે કેરીના માલની 60થી 70 ટકા ઘટ છે. અત્યારે સિઝનના ત્રીજા ફાલમાં પણ રત્નાગિરિની આફૂસ, રામપુરી, કેસરના ભાવો ગયા વર્ષ કરતાં ડબલ થઈ ગયા છે. આફૂસ, કેસર, લંગડો સામાન્ય લોકોની ખરીદશક્તિ બહાર પહોંચી છે.
દક્ષિણ ગુજરાતની દશેરી, વનરાજ, આમ્રપાલી, બદામ કેરી હવે દેખાતી નથી: બાબુભાઇ શેખ
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખ કહે છે કે, કેસર કેરીનો પાક પ્રમાણમાં વધુ ઊતરતો હોવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ દશેરી, વનરાજ, આમ્રપાલી, બદામ કેરીના આંબાઓ કાઢી નાંખ્યા હોઈ શકે છે. બદામ કેરી હૈદ્રાબાદથી આવી છે. સુરતીઓ રાજપુરીનો, જ્યારે સૌરાષ્ટ્રવાસીઓ કેસર કેરીનો રસ કેરી ગાળામાં જમાઈઓને પૂરી સાથે પીરસે છે. સુરતી મુસ્લિમોને લંગડો કેરી વધુ માફક આવે છે. રાંદેરના સફરી વોહરાઓને પાયરી અને વનરાજ કેરી વધુ ગમે છે. જે આંબાની સંખ્યા હવે ખૂબ ઘટી ગઈ છે. પાયરી કેરી આ સિઝનમાં દેખાઈ નથી. વરસાદ પડ્યા પછી સુરતીઓ મકરાણા, સરદાર, કરંજ કેરી ખાતા હતા.
વલસાડની જેમ સુરત, તાપી, નર્મદા, નવસારીમાં સરકાર કેરીના પાકને થયેલા નુકસાનનો સરવે કરાવે: જયેશ દેલાડ
ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખ.વે.સંઘના પ્રમુખ જયેશ એન.પટેલ (દેલાડ)એ મુખ્યમંત્રીને પત્ર લખી 4 જિલ્લામાં કેરીના પાકને થયેલા નુકસાનનો તાત્કાલિક નુકસાનીનો સરવે કરાવવા માંગ કરી છે. માત્ર વલસાડ કલેક્ટરે આ પ્રકારનો સરવે કરાવ્યો છે. સુરત, તાપી, નવસારી અને નર્મદા જિલ્લામાં પણ આંબાવાડીઓને થયેલા નુકસાનનો સરવે બાગાયત વિભાગ અને કલેક્ટર દ્વારા થવો જોઈએ. દક્ષિણ ગુજરાતમાં 60 હજાર હેક્ટર જમીનમાં મહત્તમ કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા વધુ કેરીનો પાક મળે એ માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ કરવામાં આવ્યો છે. પરંતુ આખું વર્ષ વાદળછાયું વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડું ફ્લાવરિંગ તેમજ મોરિયા ન બેસતાં આ વર્ષે કેરીનો પાક માંડ 35 ટકા જેટલો જ થયો છે અને એ પણ નબળો પાક મળી રહ્યો છે. બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારોને 500 કરોડનું નુકસાન થયું છે.