SURAT

સુરતથી ખાનગી બસોમાં શિરડી, સૌરાષ્ટ્ર કે અન્ય જગ્યાએ જતા લોકોની મુશ્કેલી વધી

સુરત: લક્ઝરી બસમાં (Luxury Bus) અન્ય શહેરોમાં જતા સુરતીઓ માટે માઠા સમાચાર છે. હવે તેમને નજીકના સ્થળેથી બસ (Bus) મળી શકશે નહીં. પોતાના વિસ્તારથી 10 કે 15 કિલોમીટર દૂર સુધી પહોંચીને તેઓ લક્ઝરી બસમાં બેસી શકશે. તેનું કારણ છે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત ટ્રાફિક (Traffic) ડીસીપીને લેખિતમાં કરાયેલી ફરિયાદ. જેને લઈને ખાનગી બસ ઓપરેટરો (Private Bus Operators) દ્વારા આવતીકાલથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં લાવવામાં આવશે નહીં. મળતી માહિતી મુજબ તમામ બસોનું પિકઅપ-ડ્રોપ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી થશે.

  • ધારાસભ્યની ફરિયાદ બાદ બસ ઓપરેટરોનો નો નિર્ણય- સુરત શહેરમાં હવે ખાનગી બસો નહીં પ્રવેશે
  • શહેર બહારથી થશે બસોનું પિકઅપ-ડ્રોપ
  • મુસાફરોએ વાલક પાટિયાથી બસમાં બેસવું પડશે, જેને કારણે લોકોને હાલાકીની સામનો કરવો પડશે

સુરતમાં વહેલી સવારે અને રાતના સમયે દોડતી ખાનગી બસોને લઈ થયેલા વિવાદ બાદ શહેરના ખાનગી બસ ઓપરેટરો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં.  21 ફેબ્રુઆરીથી શહેરમાં એક પણ લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં તેવા નિર્ણયને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે એક પણ બસ શહેરની અંદર પ્રવેશ કરશે નહીં. એટલું જ નહીં બહારથી સુરત આવતા મુસાફરોવાળી બસ પણ શહેરથી દૂર જ ઉભી રખાશે. હાલ મળતી માહિતી મુજબ તમામ બસો વાલક પાટિયાથી ઊપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. જેથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોને 10થી 15 કિમી સુધી આગળ જઈને બસ મળશે.

લક્ઝરી બસ ઓપરેટર એસોસિયેશનના આ પ્રકારના નિર્ણયથી સુરતથી બહાર ખાનગી બસનો ઉપયોગ કરનાર મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે. કારણકે પહેલા પૂણા, રિંગરોડ, વરાછા, અડાજણ વિસ્તારમાંથી બસો ઉપડવાને કારણે લોકોને વધુ દૂર જવું પડતું ન હતું. તેમજ વહેલી સવારે વતનથી પાછા ફરીને ઘરની નજીક બસ ઉતારી દેતી હોવાથી વધુ દૂર જવું પડતું ન હતું. ખાસ કરીને સુરત શિરડી, સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઈ તેમજ અન્ય યાત્રાધામ જવા માટે બસો ઉપાડવામાં આવે છે. તે લોકોને હવે ખૂબ લાંબો ફેરો કરવો પડશે.

Most Popular

To Top