સુરત: (Surat) સમગ્ર વિશ્વમાં વર્ષ 2002 થી વિશ્વ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ દિવસની ઉજવણી થાય છે. આ બિમારીનો શિકાર થનાર વ્યક્તિના ફેફસામાં (Lungs) શ્વાસનળીમાં બ્લોકેજ થાય છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બિમારી પાછળનું મુખ્ય કારણ સ્મોકિંગ અને વધતું પ્રદૂષણ છે. શહેરમાં 30 વર્ષથી ઉપરના 11 ટકા યુવાનો આ બિમારીનો (Disease) શિકાર છે. જેમનામાં આ બિમારીને લઈને જાગૃકતા લાવવી જરૂરી છે.
ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી લંગ ડીઝીઝ (Copd) ના દર્દીઓમાં શ્વાસનળીમાં બ્લોકેજ જોવા મળે છે. ક્રોનિક અસ્થામાં, ક્રોનિક બ્રોનકાઈટીસ, બ્રોન્કાઇક્ટેસિસ, એમ્ફિસીમા સીઓપીડી માં થનારા રોગો છે. મેડિકલ સારવારના નિષ્ણાંત ચેસ્ટ ફિઝિશિયન અને પલ્મોનોલોજિસ્ટ આ રોગીઓની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. નવી સિવિલ હોસ્પિટલમાં ચેસ્ટ વિભાગમાં રોજના 140 થી 150 દર્દીની ઓપીડી આવે છે. જેમાંથી 30 ટકા દર્દી આ બિમારીનો શિકાર હોય છે. તેમાયે 30 વર્ષથી વધારે ઉપર ધરાવતા 11 ટકા પેશન્ટ આ બિમારીથી પિડાતા હોય છે. આ બિમારીમાં વ્યક્તિના ફેફસામાં અને શ્વાસનળીમાં સોજો આવી જાય છે અને બ્લોકેજ થઈ જાય છે. યુવાનોમાં સ્મોકિંગનો ક્રેઝ કહો કે વ્યસન જે સતત વધી રહ્યું છે. જેને કારણે યુવાનો સૌથી વધારે તેનો શિકાર થઈ રહ્યા છે. અને સમગ્ર વિશ્વમાં આ બિમારીના દર્દીની સંખ્યા વધી રહી છે. જેથી આ વર્ષે સ્વસ્થ ફેફસાથી વધારે મહત્વનું કઈ નથી થીમ પર આ દિવસની ઉજવણી કરાશે.
ફિઝિયોથેરાપી થકી શ્વાસોશ્વાસને લગતી કસરતો ઘણી લાભકારક બની શકે છે
નવી સિવિલ હોસ્પિટલ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના ફેકલ્ટી ડો. નિશાંત તેજવાણીએ જણાવ્યું હતું કે, કાર્ડિયો પલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ copd ના દર્દીઓમાં એમના ફેફસાની કેપેસિટી મેન્ટેન અને વધારવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. શ્વાસનળી અને એરવેઝમાં થતા અવરોધને ઓછું કરવા માટે પોસ્ચરલ ડ્રેનેજ, એરવેઝ ક્લિયરન્સ ટેકનીક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. દર્દીને શ્વાસ ચડતો હોય ત્યારે બ્રેથલેસનેસ લિવિંગ પોઝીશન ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આપવામાં આવે છે. ફેફસાની કેપેસીટી વધારવા માટે પર્સ્ડ લિપ બ્રેથિંગ એક્સરસાઇઝ ડાયાફ્રેમેટિક બ્રેથિંગ એક્સરસાઇઝ જેવી કસરતો કરાવવામાં આવે છે. ચેસ્ટ મોબિલીટી એક્સસ દ્વારા છાતી અને છાતીની આજુબાજુ આવેલા સાંધાઓની જડતા થતા અટકાવી શકાય છે.
બિમારીના લક્ષણો
- શ્વાસનળીમાં સોજો આવવો
- ચાલતા ચાલતા થાકી જવું
- બેઠા બેઠા શ્વાસ લેવો પડે
- વીકનેસ આવી જાય
- હાર્ટ પર પ્રેસર પડે
- સુકી કે કફવાળી ખાસી થવી
પોસ્ટ કોવિડ પર્મોનરી રીહેબીલીટી સેન્ટર ચાલું
નવી સિવિલમાં ફિઝયોથેરાપી વિભાગમાં પોસ્ટ કોવિડ પર્મોનરી રીહેબીલીટી સેન્ટર ચાલું છે. જ્યાં કોરોના દરમિયાન શ્વાસની તકલીફ થાય તેવા 1 હજારથી વધારે દર્દીઓને સાજા કર્યા છે. જ્યાં આ દર્દીઓને શ્વાસોશ્વાસને લગતી કસરત અને એનર્જી વધે તેવી કસરત કરાવવામાં આવે છે.
દર્દીઓએ વહેલા નિદાન કરાવવું જોઈએ
નવી સિવિલ હોસ્પિટલમાં ચેસ્ટ વિભાગના વડા ડો.પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, નવી સિવિલમાં રોજના 40 થી 50 દર્દી આ બિમારીથી પિડાતા આવે છે. આ બિમારીનો કોઈ ઇલાજ નથી. દર્દી જેટલું લેટ આવશે એટલું લેટ નિદાન થશે અને ત્યારસુધીમાં ફેફસા અને શ્વાસનળી પર તેની અસર પણ વધી જશે.
બિમારી થવા માટે આ કારણો સૌથી જવાબદાર
ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ અનેક પરિબળોનાં કારણે થઈ શકે છે. છતાં તેનું સૌથી સામાન્ય કારણ ધુમ્રપાન અને બીજું મોટું કારણ વધતું પ્રદૂષણ છે. કામકાજના સ્થળે અમુક પ્રકારના રજકણોના વધુ પડતા સંપર્કમાં આવવાથી, રસાયણોથી તથા ઈનડોર આઉટડોર વાયુ પ્રદૂષણનના કારણે આ બિમારી થઈ શકે છે.