SURAT

સુરતના આ વિસ્તારમાં ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગનો ત્રાસ, આ સોસાયટીમાં ત્રાટક્યા

સુરતઃ (Surat) જહાંગીરપુરા ખાતે ફરી એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગનો (Chaddi Baniyandhari Gang) ત્રાસ વધ્યો છે. નંદનવન સોસાયટીના એક બંધ મકાનમાં ત્રાટકતા પડોશી જાગી ગયો હતો. વોચમેનને જાણ કરતા ચોર દિવાલ કુદીને ભાગી ગયા હતા. જોકે ચારેય સીસીટીવીમાં (CCTV) કેદ થતા જહાંગીરપુરા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા મેઇન રોડ પર નંદનવન રો હાઉસમાં ચડ્ડિબનિયાનધારી ગેંગે હાથફેરો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીના ઘર નં. બી 11 માં ભાડેથી રહેતા 30 વર્ષીય નિરવ પ્રમોદ પટેલ સિનેમાઘરમાં બોક્સ ઓફિસ પર ટીકીટ આપવાની નોકરી કરે છે. ગઈકાલે પરિવાર સાથે તેમના વતન ઓલપાડના પારડી-ઝાંખરી ગામ ગયા હતા. તેમના બંધ મકાનને જોઈને ચડ્ડિ બનિયાનધારી ગેંગે નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી સોનાના દાગીના અને રોકડ મળી 45 હજારની ચોરી કરી હતી. પડોશમાં રહેતા દીપેશભાઈને બાજુમાં કોઈ હરકતનો અહેસાસ થતા તેઓ જાગી ગયા હતા. અને ગેલેરીમાં આવીને જોતા ચાર ચડ્ડી-બનિયાનધારી નજરે પડયા હતા. તેમના દ્વારા વોચમેનને જાણ કરતા તે દોડી આવ્યો હતો. પરંતુ વોચમેને દંડો પછાડતા ચારેય ભાગી ગયા હતા. જહાંગીરપુરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

એમેઝોનમાં ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી
જહાંગીરપુરા પોલીસની હદમાં અગાઉ પણ ચડ્ડી બનિયાનધારી ગેંગનો ત્રાસ હતો. વચ્ચે આ ગેંગ શાંત પડ્યા બાદ હવે ફરી સક્રિય થઈ છે. જેની સામે જહાંગીરપુરા પોલીસ નિષ્ક્રિય નજર પડી રહી છે. જહાંગીરપુરા-સારોલી બ્રિજ નજીક શિકર એવન્યુ સામે એમેઝોન કંપનીના ગોડાઉનમાં ત્રાટકેલા ચડ્ડી-બનિયાનધારીઓનું પગેરૂ મેળવવામાં પોલીસ નિષ્ફળ ગઇ છે. ત્યાં વળી ગત રાત્રે ચડ્ડી-બનિયાનધારી ગેંગે વધુ એક સોસાયટીને નિશાન બનાવતા પોલીસ પેટ્રોલીંગની પણ પોલ ખુલ્લી પડી રહી છે.

દોઢ મહિના પહેલા ટોયલેટની વેન્ટીલેશન બારીના કાચ તોડી ઓફીસમાં પ્રવેશી 6 લાખની ચોરી કરનાર નેપાળી ઝડપાયો
સુરતઃ શહેરમાં રાત્રે વિવિધ વિસ્તારમાં ચોરી કરતા નેપાળીને ક્રાઈમ બ્રાંચે બે લાખની રોકડ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે અત્યારસુધી 8 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આરોપી હીકમત ઉર્ફે રાજ ખડકા કેસી (ખત્રી) (ઉ.વ.25, રહે : ટેસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ ગ્રીન સીટી રોડ પાલ અડાજણ તથા મુળ દહીલેક નેપાળ તથા હાલ રહે. ગૂરૂગ્રામ, હરિયાણા) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીના રોકડા રૂપિયા 2 લાખ તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 2.05 લાખ રૂપિયાના મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીની પુછપરછ દરમિયાન કબુલાત કરી છે કે, દોઢેક મહિના પહેલા ઉધના- મગદલ્લા રોડ જે.એચ. અંબાણી સ્કુલ પાસે આગમ એમ્પોરીયા બિલ્ડીંગમાં તેને ચોરી કરી હતી. મેડીકલમાંથી અગાઉ લીધેલા ગ્લોવ્ઝ પહેરીને- મોઢા પર રૂમાલ બાંધીને આગમ એમ્પોમરીયાના પાછળના ભાગે દિવાલ પર લોંખડના પાઈપ- વાયર વાટે ત્રીજા માળે આવેલા ટોયલેટની વેન્ટીલેશન બારીના કાચ તોડી ઓફીસમાં પ્રવેશયો હતો.

ઓફિસમાં ડ્રોઅરો ખોલીને રોકડા રૂપિયા છ લાખની ચોરી કરી હતી. આ ઉપરાંત પોતે સુરત શહેર ખાતે વર્ષ 2017 માં 1, વર્ષ 2018 માં 1 તથા 2019 માં 5 અને 2021 માં 1 મળી કુલ 8 જગ્યાએ રાત્રીની ઘરફોડ ચોરી કરી છે. ચોરીના રોકડા રૂપિયા ખાવા – પીવા મોજ શોખમાં ખર્ચ કરી નાંખેલાની કબુલાત કરી છે. પકડાયેલા નેપાળી આરોપીની સામે હૈદ્રાબાદ ખાતે બેગપેઠ પોલીસ સ્ટેશનમાં પણ ધરફોડ ચોરીનો અને ચોરીની કોશિષના બે ગુના દાખલ છે. આરોપી અહીંયા અડાજણ અને પછી ભટારમાં ચાઈનીઝની લારી ઉપર નોકરી કરતો હતો. નેપાલથી નોકરી કરવા આવ્યો અને સાથે સાથે મોજશોખ પુરા કરવા એકલો ચોરી પણ કરતો હતો.

Most Popular

To Top