સુરત: (Surat) સચિન જીઆઈડીસી (GIDC) ખાતે આવેલી ગોવર્ધન સિલ્ક મિલમાં ચાર દિવસ પહેલાં બપોરે મિલનો વોચમેન (Watchmen) ઓફિસમાં ધસી આવી માલિકના ગળા પર કોયતો મૂકી 6 લાખ રૂપિયા રોકડની લૂંટ (Loot) કરી બાઈક ઉપર નાસી ગયો હતો. પોલીસે (Police) લૂંટનો ગુનો દાખલ કરી તપાસ કરતાં તેની બાઈક સચિનના તલંગપુર રોડ પર બિનવારસી મળી આવી હતી.
સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભીમરાડ કેનાલ રોડ પર વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય પ્રવીણ વલ્લભ બાબરિયા સચિન જીઆઈડીસીમાં ગોવર્ધન સિલ્ક મિલના નામે કાપડનું ખાતું ધરાવે છે. ગત તા.31 માર્ચે તેઓ ખાતું બંધ રાખી ઓફિસમાં હિસાબ કરવા બેઠા હતા. ત્યારે બપોરે પોણા ચારેક વાગે મિલનો વોચમેન સુમિત રામકુમાર શર્મા ઓફિસમાં ધસી આવ્યો હતો. પ્રવીણભાઈના ગળે કોયતો મૂકીને 6 લાખ રૂપિયા રોકડ અને મહત્ત્વના દસ્તાવેજ સાથેની બેગની લૂંટ કરી બાઈક ઉપર ભાગી ગયો હતો. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન વોચમેનની બાઈક પોલીસને બીજા દિવસે સચિન-તલંગપુર રોડ પર બિનવારસી મળી આવી હતી. પોલીસે તેના મોબાઈલ નંબરના આધારે ટ્રેસ કરતાં લોકેશન હરિયાણા તેના વતનનું મળી આવ્યું હતું. જેથી સચિન જીઆઈડીસી પોલીસની એક ટીમ તેને પકડવા રવાના થઈ છે.
પીપલોદમાં બિલ્ડરની ઓફિસમાં 20 લાખની ચોરી કરનાર સિક્યોરિટી ગાર્ડનો મિત્ર ઝડપાયો
સુરત: પીપલોદ ખાતે બિલ્ડરની ઓફિસમાં અઠવાડિયા પહેલાં સિક્યોરિટી ગાર્ડ જ 20 લાખ રોકડની ચોરી કરી ગયો હતો. ઉમરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં સિક્યોરિટી ગાર્ડના મિત્રને ચોરીના 12 લાખ રૂપિયા સાથે ઝડપી પાડ્યો છે. આ રૂપિયા તે મિત્રને સાચવવા માટે આપી ગયો હતો.
પીપલોદ ખાતે પ્રગતિ બંગ્લોઝમાં રહેતા 49 વર્ષીય શૈલેન્દ્ર મધુસુદન ચાંપાનેરિયા ડીમ્પલ રો હાઉસમાં આવેલા સોમેશ્વરા એવન્યુ પ્રા.લિ. તથા હાઈસ્પીડ પ્રા.લિ. કન્સ્ટ્રક્શન કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શિવકુમાર રાજાસિંગ સામે ફરિયાદ નોંધાવી હતી. સિક્યોરિટી ગાર્ડે ગત તા.28 તારીખે તેની પાસે રહેલી ચાવીઓ વડે ઓફિસ ખોલી કંપનીની તિજારીને સાઇડમાંથી કાપી રોકડા રૂ.20 લાખની ચોરી કરી હતી. ઓફિસની તમામ સ્થિતિ જાણતો હોવાથી ઓફિસની અંદર મૂકેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તે ચોરી કરી ગયો હતો. બીજા દિવસે સવારે ઓફિસમાં મીટિંગ માટે આવેલા રીતેશભાઈ અને શૈલેન્દ્રભાઈએ સિક્યોરિટી ગાર્ડને બોલાવતાં તે ગાયબ હતો. તેનો નંબર પણ બંધ આવતાં ઓફિસમાં જઈ ચેક કરતાં તિજોરીમાંથી 20 લાખ રોકડની ચોરી થઈ હતી. ઉમરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં શિવકુમારના મિત્રને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ મિત્ર પાસે તેને ચોરીના રૂપિયામાંથી 12 લાખ સાચવવા માટે આપ્યા હતા. પોલીસં મુખ્ય આરોપીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.