SURAT

લંડન રહેતા સુરતના તબીબના રિંગરોડ ઉપર આવેલા ફ્લેટમાં કૂટણખાનું શરૂ થઇ ગયું!

સુરત: (Surat) અડાજણ ખાતે રહેતા વેપારીના લંડન (London) ખાતે રહેતા કાકાના રિંગ રોડ સેન્ટર પોઈન્ટ પાસે આવેલા ફ્લેટમાં માથાભારે યુવકે ગેરકાયદે કબજો કરી ત્યાં કુટણખાનું શરૂ કરી દીધું હતું. પાંચ વર્ષથી બંધ ફ્લેટના લાઈટ બીલનો ઇમેઈલ જતાં લંડનથી તેમણે સુરત રહેતા ભત્રીજાને જાણ કરી હતી. તેઓ ફ્લેટ ઉપર જોવા ગયા ત્યારે આ ફ્લેટમાં રહેનારે 30 હજાર રૂપિયા ભાડે ફ્લેટ લીધો હોવાનું જાણવા મળતા તેણે પોલીસ ફરિયાદ કરી હતી.

  • લંડન રહેતા તબીબના રિંગ રોડ ઉપર આવેલા ફ્લેટમાં કૂટણખાનું શરૂ થઇ ગયું
  • મેહુલ રાજપુત નામના વ્યક્તિએ ફ્લેટમાં ગેરકાયદે કબજો કરી ભાડે 30 હજારના ભાડે આપી દીધો હતો
  • પાંચ વર્ષથી બંધ ફ્લેટનું લાઈટબિલ મળતા એનઆરઆઈ ચોંકી ગયા

અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બનાવની ફરિયાદ અડાજણ ગુજરાત ગેસ કંપનીની પાછળ આવેલા બ્યુ ડાયમંડ ઍપાર્ટમેન્ટમાં રહેતા અને અંબાજીરોડ ચોર્યાસી ડેરી પાસે જગીસ ગ્બોલ નામથી ગારમેન્ટની દુકાન ધરાવતાં અનિલ કૃષ્ણકાંત અત્તરવાલાએ નોંધાવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના કાકા ડો.ઉમાકાંત અત્તરવાલાનો રિંગ રોડ સેન્ટર પોંઈન્ટ ચાર રસ્તા પાસે પસાકા ઍપાર્ટમેન્ટમાં ફ્લેટ છે જેમાં તેઓ અગાઉ ક્લિનિક ચલાવતા હતાં. બાદમાં તેઓ લંડન શિફ્ટ થઇ જતાં આ ફ્લેટ પાંચ વર્ષથી બંધ હાલતમાં છે.

બંધ ફ્લેટ હોવા છતાં વીજકંપનીએ તેમને લાઇટબિલનો ઇમેઇલ આવતાં તેઓ ચોંકી ગયા હતાં. 30 ઓક્ટોબરે તેમણે મિનિમમ લાઇટ બિલ એડવાન્સમાં ભર્યુ હોવા છતાં બિલ આવતા તેમને શંકા જતાં ભત્રીજા અનિલને ફોન કરી તપાસ કરવા માટે જણાવ્યું હતું. તેમણે ત્યાં જઇને તપાસ કરતાં ફ્લેટ ખુલ્લો હતો અને ત્યાં આલમ ગુલામ શેખ નામની વ્યક્તિ હાજર હતી. તેણે અનિલભાઇને જણાવ્યું હતું કે, તેણે આ ફ્લેટ મેહુલ રાજપૂત નામના યુવાન પાસે ભાડે લીધો છે જે માટે 90 હજાર ડિપોઝીટ ચૂકવી છે અને પાંચ મહિનાથી મહિને રૂપિયા 30 હજાર લેખે ભાડું ચૂકવે છે. મેહુલે તેમની કાકીની બોગસ સહી કરી ભાડા કરાર બનાવી આપ્યો હતો અને આલમ શેખ તેમાં કૂટણખાનું ચલાવતો હતો. તેમણે કરેલી ફરિયાદના આધારે પોલીસે મેહુલ રાજપૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top