સુરત: (Surat) શહેરના પુણા વિસ્તારમાં ઓફિસ ધરાવતા લોન એજન્ટે 100 જેટલી મહિલાઓના નામે બોગસ પુરાવા ઉભા કરી એક મહિલા દીઠ 25 લાખ લેખે કુલ 25 કરોડ રૂપિયાની લોન (Loan) મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. જોકે એક જાગૃત સતર્ક અરજદારે તપાસ કરતા સમગ્ર કૌભાંડ (Scam) બહાર આવ્યું હતું. અને ઠગબાજને પોલીસે ઝડપી પાડ્યો હતો. પુણા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉત્રાણ ખાતે વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય અરવિંદભાઇ કનુભાઇ વાળા વ્યવસાયે વકીલ છે. તેમના દ્વારા પુણા પોલીસ (Police) સ્ટેશનમાં ગોડાદરા ખાતે ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે મનુભાઇ કાનાભાઇ જીંજાળાની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મનોજ લોન એજન્ટ તરીકે કામ કરે છે અને પુણા ભૈયાનગર પાસે ઓફિસ ધરાવે છે. અરવિંદભાઈએ તેમના પત્ની, માતા અને બહેનના નામે સિલાઈ મશીન યોજના હેઠળ લોન ઉપર લેવા માટે મનોજને જુન 2020માં તેમના ડોક્યુમેન્ટ આધારપુરાવા માટે આપ્યા હતા. જોકે લાંબા સમય સુધી અરજીનો કોઈ નિકાલ નહીં થતાં અરવિંદભાઈએ તપાસ કરાવડાવી હતી. જેમાં તેમના પત્ની, માતા કે બહેનના નામે સિલાઈ મશીન માટે નહીં પણ લૂમ્સના સંચા મશીન માટે 25-25 લાખ રૂપિયાની લોન માટે અરજી કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. જેના આધારે અરવિંદના ભાઈએ ગાંધીનગર તપાસ કરતા સમગ્ર કૌભાંડની ગંધ તેમને આવી ગઈ હતી. મનોજને આ અંગે કહેવા જતા બિભત્સ ગાળો આપી જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. લોનની અરજી મંજુર થાય તે પહેલા જ પુણા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરિયાદના આધારે મનોજની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
મહિલાઓના બોગસ એલ.સી. બનાવ્યા, યુઝર આઈડી પરથી ભોપાળું પકડાયું
મનોજ દ્વારા મહીલા સભ્યોના પાનકાર્ડ, આધરાકાર્ડ, શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, બે પાસપોટ સાઇઝના ફોટા, પાસબુકની નકલના કાગળો મેળવી લઇ ગયો હતો. આ મહિલા સભ્યોના ખોટા શાળા છોડ્યાના પ્રમાણપત્રો બનાવી અપલોડ કરી જાણ બહાર “પ્રાઇમ મિનીસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ” યોજના હેઠળ “બેંક ઓફ ઇન્ડીયા”માં વ્યક્તિ દીઠ 25 લાખની વેપાર-ધંધો કરવા માટેની લોન મેળવવા માટેની અરજી કરી હતી.
ફેસબુક ઉપર મહિલાઓ માટે PMKVY હેઠળ લોનની જાહેરાત કરી હતી
મનોજએ ફેસબુકમાં મનોજ આહી નામના આઈમાં એક વિઝીટીંગ કાર્ડનો ફોટો મુક્યો હતો. વિઝીટીંગ કાર્ડમાં પ્રધાનમંત્રી દ્વારા ફ્રી સિલાઈ મશીન PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) ની માહિતી આપી હતી. તેમજ તેની સાથે કોઈપણ પ્રકારની લોન માટે સંપર્ક કરવો અને અજન્ટની ફી લેવામાં આવતી નથી તેવી માહિતી આપી હતી. આ સાથે ટાઈમ્સ ટ્રેડ સેંટર ભૈયાનગર બીઆરટીએસ કેનાલની સામે ઓફિસનું સરનામું આપ્યું હતું.
માત્ર મહિલાઓના નામે લાભ આપવાનું કહી પુરાવાઓ સાથે છેડછાડ
PMKVY યોજનામાં માત્ર મહિલાઓને જ લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. યોજનાનો લાભ લેવા માટે અરજદારે પુરાવામાં પોતાનું પાનકાર્ડ, આધારકાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બે પાસપોટ સાઈઝના ફોટા, પાસબુકની નકલ આપવાની રહેશે. જેથી અરવિંદભાઈએ તેમની પત્ની, માતા, બહેન તથા અન્ય નજીકના સંબંધીઓના આ તમામ પુરાવા મનોજને આપ્યા હતા.
પેપરમાં લોન કૌભાંડના સમાચાર વાંચી અરવિંદભાઈ સચેત બન્યા ને કૌભાંડ પકડ્યું
મનોજ સામે ફરિયાદ દાખલ કરનાર અરવિંદભાઈએ છાપામાં બોગસ આધાર પુરાવાના નામે જીએસટી કૌભાંડના સમાચાર વાંચ્યા હતા. આ સમાચાર વાંચીને તેઓ સતર્ક બન્યા હતા કે તેમના આધારપુરાવા મનોજ લાંબા સમયથી લઈ ગયા પછી હજી કામ થયું નથી. જેને પગલે તેમને પોતાના ભાઈને કહીને તપાસ કરાવડાવી હતી. જેમાં તેમના નામે સિલાઈ મશીન માટે નહીં પણ લૂમ્સ મશીન માટે 25 લાખની લોન લેવા અંગેની અરજી થઈ હોવાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
ઓફિસમાંથી બીજી આશરે 500 અરજીઓ મળી
મનોજે 100 જેટલી મહિલાઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેમના નામે પલસાણા નારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટનું સરનામું આપ્યું હતું. મનોજની ઓફિસની તપાસ કરાવતા ઓફિસમાં બીજી 500લ જેટલી અરજીઓ મળી આવી છે. આ તમામ અરજીઓમાં મહિલાઓના ડોક્યુમેન્ટ બોગસ છે કે કેમ તેની તપાસ પોલીસે શરૂ કરી છે.