સુરત: (Surat) મહીધરપુરા વિસ્તારમાં લાલ દરવાજા પાસે એક્સલેન્ટ બિઝનેસ હબ સેન્ટર ખાતે માલસામાનની લિફ્ટમાં (Lift) ઉપરના માળ પર જતી વખતે લિપ્ટનો વાયર (Wire) તૂટી પડ્યો હતો. તેથી લિફ્ટ ઝડપભેર નીચે પટકાઈ હતી. લિફ્ટમાં ચઢેલા બે પૈકી એક કારીગરીનું મોત નિપજ્યું હતું અને એક કારીગરને ઇજા થઈ હતી.
- માલસામાનની લિફ્ટમાં ઉપરના માળ પર જતી વખતે લિફ્ટનો વાયર તૂટી જતા લિફ્ટ નીચે પડી, લિફ્ટમાં ચઢેલા બે પૈકી એકનું મોત
- લાલ દરવાજા પાસે એક્સલેન્ટ બિઝનેસ હબ સેન્ટર ખાતે
મહીધરપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ઘનશ્યામભાઈ અંબાભાઈ બોધરા( 46 વર્ષ.રહે. મધુસુદન સોસાયટી, ડભોલી રોડ) લાલ દરવાજા પાસે એક્સલન્ટ બિઝનેસ હબ સેન્ટર નામની નવી બંધાતી બિલ્ડિંગ ખાતે કારીગર તરીકે કામ કરતા હતા. 26 એપ્રિલના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે માલ સામાન ચઢાવવાની લિફ્ટમાં બેસી ઘનશ્યામભાઈ અને ધ્રુવીલભાઈ ઉપરના માળે જઈ રહ્યા હતા. લિફ્ટ ત્રીજા માળ સુધી પહોંચી ત્યારે લિફ્ટનો વાયર તૂટી જતા લિફ્ટ ઝડપભેર નીચે પટકાઈ હતી. ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઇજા થઈ હતી. ધ્રુવીલભાઈને બગમાં ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ઘનશ્યામભાઈને મૃત જાહેર કરાયા હતા. હાલમાં મહીધરપુરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
લસકણામાં જીમમાંથી ઘરે જઈ રહેલા બે ભાઈઓ પર હુમલો કરનાર 6 ની ધરપકડ
સુરત: લસકાણા ખાતે રહેતા બે ભાઈઓ બે દિવસ પહેલા રાત્રે ચાલતા ચાલતા જીમમાંથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પાછળથી આવેલા ત્રણ જણાએ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. એક યુવકને જીવલેણ ઇજા થતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા આજે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
લસકાણા ખાતે ડાયમંડ નગર વિભાગ-1 માં રહેતો 19 વર્ષીય રાજા બાબુરામ નીશાદ અને તેનો મોટા ભાઈ મહેંદ્ર (ઉ.વ.૨૮) બે દિવસ પહેલા મારૂતીનગર ખાતે કસરત કરવા જીમમાં ગયા હતા. અને રાત્રે જીમમાંથી પરત ઘરે આવતા હતા ત્યારે લસકાણા મારુતીનગર ઈન્ડસ્ટ્રીઝ માધવ ગેરેજની સામે દેવા નિશાદ તથા બીજા બે અજાણ્યાઓએ પાછળથી આવી તેમની ઉપર હુમલો કર્યો હતો. જેમાં મહેન્દ્રને જીવલેણ ઇજાઓ થતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી જયસિંગ ફુલસિંગ નિસાદ (ઉ.વ.૨૪, રહે. મારૂતિનગર ઇન્ડસ્ટ્રીઝ, લસકાણા તથા મુળ જાલોન, યુ.પી), અનિલ રામલાલ નિસાદ (ઉ.વ.૨૪, રહે. મારૂતિનગર ઇન્ડસ્ટ્રીઝ લસકાણા તથા મુળ હમીરપુર, યુ.પી), રવિશંકર રામકિશન નિસાદ (ઉ.વ,૨૩ ધંધો.ધાગા મશીન, રહે. અશોકભાઇના રૂમમા મારૂતિનગર ઇન્ડસ્ટ્રીઝ, લસકાણા સરથાણા), ગુરૂદેવ સીતારામ નિસાદ (ઉ.વ.૨૨ ધંધો. ધાગા મશીન, રહે. જયભાઇના ખાતામામારૂતિનગર ઇન્ડસ્ટ્રીઝ લસકાણા) રવિ રામશંકર નિસાદ ઉ.વ.૨૩, રહે. મારૂતિનગર ઇન્ડસ્ટ્રીઝ), તથા શિવાકાંત ઉર્ફે જીતુ ઓમકાર નિસાદ (ઉ.વ.૨૨, મારૂતિનગર ઇન્ડસ્ટ્રીઝ લસકાણા) ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી દેવાની શોધખોળ પોલીસે હાથ ધરી છે.