SURAT

ઉમરપાડાના જંગલમાંથી સુરતના યુવકની હત્યા કરાયેલી લાશનો ગુનો સુરત LCBએ ઉકેલી કાઢ્યો

પલસાણા: (Palsana) ઉમરપાડાના જંગલમાંથી (Jungle) હત્યા (Murder) કરાયેલી મળેલી લાશનો ગુનો સુરત એલસીબીએ (LCB) ઉકેલી કાઢી હત્યામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી હતી. પત્ની તરીકે રાખેલી મહિલા સાથેના આડા સંબંધમાં (Affair) આ હત્યા થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

  • પત્ની સાથેના આડા સંબંધમાં મિત્રએ જ ઉમરપાડાના જંગલમાં મિત્રની હત્યા કરી હતી
  • સુરત એલસીબીએ હત્યામાં સંડોવાયેલા સુરતના ડભોલીગામના ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરી
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને બોથડ પદાર્થ મારી દેવામાં આવતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતુ
  • મિત્રએ પેશાબ કરવાના બહાને જંગલમાં લઇ જઇ બોથડ પદાર્થ માથામાં મારીને હત્યા કરી નાંખી હતી

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ગઇ તારીખ 15 માર્ચના રોજ ઉમરપાડા-માલ્ધા સ્ટેટ હાઇવે ઉપરથી એક લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને બોથડ પદાર્થ મારી દેવામાં આવતા મોત થયું હોવાનું બહાર આવતા ઉમરપાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ લાશ સુરતના શૈલેશ કેશુભાઇ ચૌહાણની હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન સુરત એલસીબીને બાતમી મળી હતી કે આ હત્યામાં ઘનશ્યામ નામનો યુવાન સંડોવાયેલો છે અને તે નંબર વગરની બાઇક ઉપર મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાજ હોટલથી વડોદરા તરફ જવાનો છે. આ બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો.

તેની પ્રાથમિક પૂછરપછમાં તેનું નામ ઘનશ્યામ કાળુભાઇ સોલંકી હોવાનું તેમજ તે મૂળ ભાવનગરના વલ્લભીપુરના વીરડી ગામનો હોવાનું અને હાલ સુરતના ડભોલીગામ સ્થિત વિરામનગર ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. તેણે પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી લીધી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે અને મૃતક શૈલેશ બંને સારા મિત્રો હતા. તે સંગીતા નામની યુવતીને ઘરે પત્ની તરીકે રાખતો હતો. મૃતક શૈલેશની તેના ઘરે અવરજવર હોવાથી તેની સંગીતા સાથે આંખ મળી ગઇ હતી. આ બાબતની જાણ થતાં તેણે સંગીતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, તો સંગીતા તેને છોડીને પિયર રહેવા ચાલી ગઇ હતી. જેથી તેણે શૈલેષની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. દેવમોગરા દર્શન કરવા જવાનું કહી તે શૈલેશને લઇને બાઇક ઉપર નીકળ્યો હતો અને રસ્તામાં જંગલમાં પેશાબ કરવાના બહાને તેને નીચે ઉતારી જંગલમાં લઇ જઇ બોથડ પદાર્થ માથામાં મારીને તેની હત્યા કરી નાંખી હતી.

Most Popular

To Top