સુરત (Surat) : બોટાદમાં લઠ્ઠાકાંડ (LaththaKand) સર્જાયા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડા પકડવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરતની જિલ્લા પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. અંતરિયાળ વિસ્તારમાં જંગલોની વચ્ચે નદીના કિનારે ધમધમતી ભઠ્ઠીઓને શોધવા માટે સુરત જિલ્લા પોલીસે (Surat District Police) ડ્રોનનો (Drone) ઉપયોગ શરૂ કર્યો છે. વીતેલા ત્રણ દિવસમાં સુરત જિલ્લા પોલીસે આ રીતે 6 દારૂની ભઠ્ઠી પર દરોડા (Raid) પાડ્યા છે. પોલીસની આ કામગીરીના લીધે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- કામરેજ, માંગરોળ, પીપોદરા અને કોસંબામાં જિલ્લા પોલીસની કડક કાર્યવાહી
- 24 કલાકમાં દેશી દારૂની 6 ભઠ્ઠીઓ પકડી બંધ કરાવાઈ
- નદી અને કોતરો જેવી અંતરિયાળ જગ્યાઓ પર ચાલતી ભઠ્ઠી પણ ડ્રોનની મદદથી પકડી
- સુરત જિલ્લા પોલીસે 3 દિવસમાં દારૂના 185 કેસ કરતા બુટલેગરો ભૂર્ગભમાં ઉતરી ગયા
વાત એમ છે કે સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જંગલ વિસ્તારના લીધે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવું પડકારજનક બની રહ્યું હતું. કોતરો અને નદી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવી મુશ્કેલ બની રહી હતી. તેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવાનું સૂચન કરાયું હતું, જેના પગલે કામરેજ ડિવીઝનના ડીવાયએસપી બી.કે. વનાર, કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. ભટોળ સહિતના સ્ટાફ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરાયો હતો અને ગણતરીના કલાકમાં 5 ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવી હતી, જેના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લિસ્ટેડ બુટલેગરો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. પોલીસ દ્વારા 24 કલાકમાં માંગરોળ, કોસંબા, પીપોદરા અને કામરેજના ખોલવડમાં ડ્રોન વડે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લાં 3 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા દારૂ સંબંધિત 185 કેસ કરવામાં આવ્યા છે. લિસ્ટેડ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. કામરેજ પોલીસ દ્વારા દેશી દારૂના વેપલામાં સંડોવાયેલા બુટલેગરોને પકડવાની કામગીરી તેજ બનાવાઈ છે. ખોલવડમાંથી રેખા રાઠોડ, ઉર્મિલા રાઠોડ, વંદના રાઠોડ, સોનલ રાઠોડ, શંકર રાઠોડ, મેહુલ રાઠોડ, વેલંજાના શેખપૂર ખાતેથી સરસ્વતી વસાવા અને ગીતા વસાવા તેમજ હલધરુ ગામથી ભાનુ રાઠોડને પકડ્યા છે.
નોંધનીય છે કે ગયા સોમવારે બોટાદના બરવાળામાં કેમિકલયુક્ત ઝેરી દેશી દારૂ પીવાના લીધે લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ ઘટનામાં 57 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. આ લઠ્ઠાકાંડના પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હચમચી ગયું છે. ગૃહમંત્રીના આદેશ બાદ ડીજીપી રાજકુમાર પાંડિયનની સીધી નિગરાની હેઠળ રાજ્યભરમાં દેશી દારૂના ભઠ્ઠા અને અડ્ડા બંધ કરાવવામાં આવી રહ્યાં છે. સુરત શહેર અને જિલ્લામાં પણ છેલ્લાં 3 દિવસથી બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.