સુરત: સુરતમાં (Surat) સુરત વકીલ મંડળની (Surat Lawyers Association) બાર એસોસિએશનની (Bar Association) આજે ચૂંટણી (Election) યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 11 કાઉન્સિલર મેમ્બર માટે ખરાખરીનો જંગ જામ્યો હતો. સાંજ સુધીમાં 63% જેટલું મતદાન થયું હતું. 4669 મતદારો માંથી 3069 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં નાના-મોટા વિવિધ મુદ્દાઓની વચ્ચે કોટ સ્થળાંતરનો સૌથી મહત્વનો મુદ્દો રહેવા પામ્યો હતો.
સુરતમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ
સુરતમા પ્રમુખ સહિતના છ હોદાઓ માટે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ હતી. પ્રમુખ પદ માટે ટર્મિશ કણીયા,હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે ભારે હરીફાઈ જામી હતી.
પ્રથમ વખત કાઉન્સિલર મેમ્બર માટે ચૂંટણી યોજાઈ
સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ના ઇલેક્શનમાં પ્રમુખ માટે ત્રણ ઉમેદવાર,ઉપ્રમુખ -3 ઉમેદવાર, સેક્રેટરી -2 ઉમેદવાર , જોઇન્ટ સેક્રેટરી- 3 ઉમેદવાર, ખજાનચી -3 ઉમેદવાર જ્યારે 11 કાઉન્સિલર મેમ્બર માટે 17 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આ ઇલેક્શનમાં પ્રથમ વખત 11 કાઉન્સિલર મેમ્બર માટે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેને લઇ 17 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવવા ચૂંટણીમાં કાઉન્સિલર મેમ્બર માટે ભાગ લીધો હતો.
કોર્ટ સ્થળાંતરનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો
સુરત બાર એસોસિએશનની ચૂંટણીમાં નાના-મોટા અનેક મુદ્દાઓ વચ્ચે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. કોર્ટમાં વકીલોને સૌથી વધુ જરૂરિયાત ઊભી કરતા મુદ્દાઓમાં કોર્ટમાં વાહન પાર્કિંગની સમસ્યા છે, પોસ્ટ ઓફિસની માંગ, જુનિયર વકીલો માટે માર્ગદર્શક સેમિનાર ની માંગ ઉઠી છે અને જે પૂરી કરવા ઉમેદવારોએ બાંહેધરી આપી છે. એટલું જ નહીં આ બધાની વચ્ચે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન તમામ વકીલો માટે કોર્ટ સ્થળાંતરનો રહ્યો છે. સુરતની મધ્યમાં આવેલી કોર્ટને શહેરની બાર જીયાવ બુઢિયા ખાતે જગ્યા ફાળવીને સ્થળાંતર કરવા માટેની જાહેરાત થઈ છે. જેને લઇ વકીલોનો સતત વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ કોર્ટ પરિષદ બિલ્ડીંગ ને ત્યાં સુધી સ્થળાંતર નહીં કરવા દેવાનો આ ઇલેક્શનનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો હતો.