નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi) મોદી સરનેમ કેસમાં સજા સંભળાવ્યા પછી કોંગ્રેસના (Congress) કાર્યકરો આક્રમક બન્યાં છે. મોદી સરનેમ કેસમાં ગુનેગાર સાબિત થયા પછી રાહુલની સાંસદમાંથી પણ સભ્યતા રદ કરી દેવામાં આવી હતી. તેમજ તેઓની પાસે સરકારી બંગલો પણ ખાલી કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસના એક કાર્યકરે રાહુલ ગાંધીને સજા ફટકારનાર ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને એચ.એચ.વર્માને એવી ધમકી આપી છે જેના કારણે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે.
જાણકારી મળી આવી છે કે કોંગ્રેસના એક નેતાએ રાહુલ ગાંધીને સજા ફટકારનાર મેજિસ્ટ્રેટ એચ.એચ.વર્માને ધમકી આપી છે. તમિલનાડુમાં કેડિંડીગુલમાં રાહુલનાં સમર્થનમાં પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી હતી તે સમયે જિલા પ્રમુખ મણિકંદને કહ્યું હતું કે “સુરતની કોર્ટે અમારા નેતા રાહુલ ગાંધીને 23 માર્ચના રોજ બે વર્ષની સજા ફટકારી હતી. સાંભળો એચ.એચ. વર્મા જયારે કોંગ્રેસને સત્તા મળશે ત્યારે અમે તમારી જીભ કાપી નાંખીશું” આ વાત કહ્યાં પછી મણિકંદન ચર્ચામાં આવી રહ્યાં છે. ઉપરાંત આ બયાન આપ્યાના થોડા સમયમાં જ તમિલનાડુ પોલીસે 3 ધારાઓના આધારે કેસ નોંધ્યો છે.
જાણો શું હતો મામલો જેના કારણે રાહુલને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે તેને 2 વર્ષની સજા ફટકારી છે.