સુરત: સુરતના (Surat) વરાછા વિસ્તારનો એક વકીલ (Lawyer) જુગારના (Gambling) કેસમાં ઝડપાયો છે. નવાઈની વાત એ છે કે જુગારના કેસમાં પકડાયેલા આ વકીલે પોતાની જ ઓફિસ જુગારીઓને ભાડે આપી હતી. જુગાર રમવા માટે ઓફિસ ભાડે આપવાના બદલામાં રોજના 5 હજાર જેટલું ઊંચું ભાડુ પણ તે વસૂલતો હતો. સુરતની પોલીસે વકીલ સહિત અન્ય 7 જણાની આ કેસમાં ધરપકડ કરી છે.
શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક વકીલે કાપોદ્રામાં આવેલી પોતાની ઓફિસ રોજના રૂ 5 હજા૨ના ભાડે જુગારીઓને ઓફિસ આપી દીધી હતી. ધમધમતા જુગારધામ ઉપર ગતરોજ કાપોદ્રા પોલીસે રેડ કરી હતી અને જુગારધામ ચલાવવા ઓફિસ ભાડે આપનાર વકીલ સહીત 7 જુગારીઓની ધરપકડ કરી હતી. એટલુંજ નહીં પોલીસની તપાસ દરમિયાન સ્થળ ઉપરથી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ સિવાય દારૂની જથ્થો પણ મળી આવ્યો આવ્યો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે આવેલ રિવર હેવનમાં રહેતા પ્રશાંતકુમાર ધરમશીભાઈ પટેલ વકીલ છે. તેમની કાપોદ્રા ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઓફિસ આવેલી છે. મંગળવારે તા. 3 જાન્યુઆરીના રોજ સાંજે પોલીસે ઉપરોક્ત ઓફિસમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડા પાડયા હતા. અને આરોપી પ્રશાંતકુમાર પટેલ સહીત સાત જણાની ધરપકડ કરી હતી તેમજ સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તથા 10 મોબાઈલ, 2 ટીવી સહીત અન્ય સામગ્રી મળી કુલ્લે 3.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રશાંત કુમારે પોતાની આ ઓફિસ વોન્ટેડ આરોપીઓ રાહુલ બોરડા, ભાવિન ઉર્ફે બાડો નાકરાણી અને રોનક ઉર્ફે પરી ને જુગારધામ ચલાવવા ભાડે આપી હતી અને ભાડા પેટે રોજના 5 હજાર તેમની પાસેથી ઉઘરાવતો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધું કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઇ પી.જી.ડાવરાએ જણાવ્યું હતું કે જુગારીઓને પકડવાની સાથે ઓફિસની અંદર સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન અંદર એક રૂમ બનાવેલું હતું તેની અંદર ચેક કરવામાં આવતા ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની દેશી અને વિદેશી દારૂનો બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે વોન્ટેડ આરોપીઓએ પીવા માટે દારૂ મગાવી હતી અને ત્યાં રૂમમાં જથ્થો રાખેલો હતો .